November 21, 2024

જામનગરમાં દરગાહનું ડિમોલિશન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

સંજય વાઘેલા, જામનગરઃ શહેરમાં લાલપુર બાયપાસ નજીક આવેલી પ્રખ્યાત બારિયાપીરની દરગાહ પર મોડી રાત્રે વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ધાર્મિક સ્થળનું બાંધકામ દૂર કરીને જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન જામનગર જિલ્લાના એસપી, ગ્રામ્ય ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જામનગરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત એસ્ટેટ શાખાની દબાણ હટાવ શાખાની ટીમ પણ જોડાઈ હતી.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માં રણજીતસાગર રોડ પર રેવન્યૂ સર્વે નંબર 860 તેમજ રેવન્યૂ સર્વે નંબર 928 વચ્ચેની ગાડા માર્ગ તરીકે ઓળખાતી જગ્યા કે જે જગ્યા ઉપર ઘણાં વર્ષો પહેલાં સૌપ્રથમ નાની મજારનું ગેરકાયદેસર બાંધકામ કરી લેવાયું હતું. ત્યારબાદ તબક્કાવાર ધીમે ધીમે તેમાં દબાણ વધતું ગયું હતું અને છેલ્લા બે-ત્રણ વર્ષ દરમિયાનમાં મોટી દરગાહ બનાવી લેવામાં આવી હતી.

હજરત અહેમદશાપીર નામની દરગાહનું બાંધકામ દૂર કરી લેવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા 2022માં સૌપ્રથમ નોટિસ ફટકારી હતી. પરંતુ જગ્યા ખુલ્લી કરવાને બદલે તેમાં દબાણ વધતું જતું હતું. આ દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત જગ્યા ખાલી કરાવવા માટે આદેશ કર્યો હતો. જેની ગઈકાલે મોડી રાત્રે અમલવારી કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ રાત્રિના 12.30 વાગ્યાના સમયથી હાજર રહ્યા હતા. તેમની સાથે ડીએમસી ઝાલા તેમજ દબાણ હટાવ શાખાના અધિકારી સુનિલ ભાનુશાળી અને તેમની ટીમ હાજર રહી હતી. ધાર્મિક સ્થળનું તમામ બાંધકામ દૂર કરી આશરે 2600 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. રાત્રિના 12.30 વાગ્યાથી લઈને છેક સવારે 9.00 વાગ્યા સુધી ડિમોલિશનની કામગીરી ચાલુ હતી. તમામ અધિકારીઓ સહિતની હાજરીની વચ્ચે રાત્રે સમગ્ર ઓપરેશન પાર પાડી લેવાયું હતું.