October 31, 2024

પાટણમાં દિવાળીના દિવસે જ ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત

પાટણ: ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આજે દિવાળીનો દિવસ એક આખા પરિવાર માટે ગોઝારો બનીને આવ્યો છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક આખો પરિવાર પિંખાયો છે.

મળતી માહિતી મુજબ, પાટણના ચાણસ્મા તાલુકાના રામગઢ ગામ નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં, છોટા હાથી અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મોત થયા છે. તેમજ, અન્ય 2 લોકો ઘાયલ થયા છે.

જાણવા મળી રહ્યું છે કે અકસ્માતમાં પતિ પત્ની અને બે બાળકોના મોત થયા છે. તમામ મૃતકો બનાસકાંઠાના વડા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે પરિવાર બનાસકાંઠાથી પોતાના વતન ખાતે દિવાળીની ઉજવણી કરવા જઈ રહ્યો હતો. રસ્તામાં ચાણસ્માના રામગઢ ગામે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.