November 24, 2024

ગીર-સોમનાથ પોલીસે કારના કાચ તોડી ચોરી કરતી ગેંગને ઝડપી પાડી

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લા અને અમરેલી જિલ્લા પોલીસની સહિયારી મહેનતે કાચ તોડી ચોરી કરતી ગેંગને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી છે. ગીર સોમનાથ ત્રિવેણી નજીક કારના કાચ તોડી અંદાજે ચાર લાખના સોનાના દાગીના અને રોકડ તેમજ જૂનાગઢના સક્કરબાગ ઝૂ પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી રોકડ-સોનાના દાગીનાની ચોરી કરી નાસી છૂટેલી આણંદની એક જ પરિવારની ગેંગ દામનગરમાં રંગેહાથ ઝડપાઈ છે.

જૂનાગઢ અને ગીર સોમનાથમાં એક જ મોડસ ઓપરેન્ડીથી કારના કાચ તોડી નાસી છૂટેલી ગેંગને પકડવા ગીર સોમનાથ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એબી જાડેજા અને ટીમે ટેક્નિકલ સોર્સની મદદથી પગેરું મળ્યું હતું.

ચોરી બાદ કારમાં નાસી છૂટેલી ગેંગ અમરેલી જિલ્લા તરફ નીકળી જતા અમરેલી તાલુકા સહિતની ટીમને એલર્ટ કરતા લાઠી પોલીસે પીછો કરતા દામનગર ટાઉન પોલીસે કારમાં નીકળેલી ગેંગને પકડી પાડી છે.

મોરબીથી જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ફરવા આવેલા મોરબીના ગરાસીયા પરિવારની કારના કાચ તોડી સોનાના દાગીના અને રોકડ મળી 2.80 લાખની ચોરી કરી હતી. ગીર સોમનાથના ત્રિવેણી નજીક કારના કાચ તોડી અંદાજે ચારથી પાંચ તોલા સોનાના દાગીના અને રોકડની ચોરી કરી કારમાં નાસી છૂટેલી આણંદના એક જ પરિવારની ગેંગને દામનગર ટાઉન નજીક પીઆઇ આરવાય રાવલ અને દામનગર પોલીસ ટીમે નાકાબંધી કરી ઝડપી પાડી છે.