November 22, 2024

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પરિણીતાએ ઉંઘની દવાઓ ખાઇને કરી આત્મહત્યા

મિહિર સોની, અમદાવાદ: અમદવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં શંકાશીલ આરોપી પતિ ગીરીરાજ શર્માના ત્રાસથી કંટાળી પત્ની પલ્લવીએ આપધાત કરી દીધો હતો. શહેરના ઘાટલોડિયા વિસ્તારના જનતાનગરમાં આવેલા સંકલ્પ રો-હાઉસમાં રહેતી પરિણીતા પલ્લવીએ પતિના ત્રાસથી કંટાળીને ઉંઘની દવાનો ઓવરડોઝ લઇને આત્મહત્યા કરી હતી. મૃતક પરિણીતાના પિતાએ આ મામલે ઘાટલોડિયા પોલીસમાં પતિ વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપી પતિ ગીરીરાજ શર્માની ધરપકડ કરી છે. મૃતક પરિણીતાએ દવાઓ ખાઇ લીધા બાદ તેની માતાને મેસેજ કર્યો હતો અને ઓશીકા નીચે સુસાઇડ નોટ મૂકી હોવાની જાણ કરી હતી. જે આધારે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

મૃતક પરિણીતા પલ્લવીએ સુસાઈટ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, લગ્ન કર્યા બાદ પતિ ગિરિરાજ સમય ઓછો આપતો હોવાનું મેં કહેતા મારી સાથે ઝઘડો કરતો હતો અને મારા પર શંકા રાખતો હતો. નોંધનીય છે કે, મહારાષ્ટ્રના પુનામાં રહેતા સુરેશ મિશ્રાની પુત્રી પલ્લવીના પ્રથમ લગ્ન વર્ષ 2012માં પુનામાં રહેતા યુવક સાથે થયા હતા. વર્ષ 2019માં પલ્લવીબેનને આંખની પાસે થયેલી ગાંઠનું ઓપરેશન કરાવ્યા બાદ તેનો પતિ પરત લઇ ગયો નહોતો. જે બાદ બંનેના વર્ષ 2021માં છુટાછેડા થયા હતા. ત્યારબાદ વર્ષ 2022માં સુરેશભાઇએ પુત્રી પલ્લવીના બીજા લગ્ન માટે મેટ્રીમોનિયલ સાઇટ પર જાહેરાત આપી હતી, ત્યારે ઘાટલોડિયા સંકલ્પ રો-હાઉસમાં રહેતા ગીરીરાજ શર્માએ લગ્ન માટે સંપર્ક કર્યો હતો. તે સમયે ગીરીરાજે તેની પત્ની મૃત્યુ પામી છે અને તેના સંતાનો હાલ રાજસ્થાન ખાતે રહેતા હોવાનું જણાવ્યુ હતું. ગીરીરાજે પલ્લવી સાથે લગ્ન કરીને વધુ સારવાર કરાવવાની પણ ખાતરી આપી હતી. બાદમાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના એક મહિના બાદ પલ્લવીબેને માતા પિતાને ફોન કરીને ગીરીરાજ તેને માનસિક શારિરીક ત્રાસ આપતો હોવાની જાણ કરી હતી. સાથે જ ગીરીરાજ કહ્યા વિના અનેક દિવસો સુધી બહાર રહેતો હોવાનું પણ જણાવ્યુ હતું.

મૃતક પલ્લવીને ગર્ભ રહેતા તેના પતિ ગીરીરાજે ગર્ભપાત કરાવી દીધો હતો. બીજી તરફ ઘર ખર્ચના પૈસા ન મળતા પલ્લવીબેને નોકરી શરૂ કરતા ગીરીરાજ પગારના નાણાં લઇ લેતો હતો. તેવામાં ગત તા.8મી નવેમ્બરના રોજ પલ્લવીબેને તેની માતાને વોટ્સએપ મેસેજ કરીને ઉંઘની દવાનો ઓવરડોઝ લીધો હોવાની અને ઓશિકા નીચે સુસાઇડ નોટ રાખી હોવાનો મેસેજ કર્યો હતો. પલ્લવીબેનની માતાએ આ મેસેજ જોતા જ તેને ફોન કરતા નંબર બંધ આવતો હતો. જેથી મૃતકના પિતા સુરેશભાઇએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પોલીસનો સ્ટાફ પલ્લવીબેનના ઘરે પહોંચ્યો હતો. જોકે ત્યાં સુધીમાં પલ્લવીબેનનું મોત નીપજ્યું હતું. જેથી ઘાટલોડિયા પોલીસે ગીરીરાજ શર્મા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.