November 18, 2024

Manipur Violence: મણિપુર મુદ્દે અમિત શાહે સુરક્ષા એજન્સીઓ સાથે કરી બેઠક

Manipur Violence: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં ચાલી રહેલી અસુરક્ષાની સ્થિતિને લઈને રાજધાની દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં, મણિપુરમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની તૈનાતી અંગે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેથી રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મણિપુરમાં પરિસ્થિતિને સંભાળવા માટે 50 વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવશે. આ 50 કંપનીઓમાં કુલ 5000 સૈનિકોને સામેલ કરવામાં આવશે. આ તૈનાતી સાથે મણિપુરમાં સુરક્ષા વધુ મજબૂત થશે. અત્યાર સુધીમાં મણિપુરમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની કુલ સંખ્યા વધીને 27000 થઈ ગઈ છે. જેનાથી રાજ્યમાં શાંતિ સ્થાપવાની પ્રક્રિયા ઝડપી બને તેવી શક્યતા છે.

શાંતિ પુનઃસ્થાપિત કરવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓને મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે તમામ એજન્સીઓને રાજ્યમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મણિપુરના 6 પોલીસ સ્ટેશન વિસ્તારો પર AFSPA લાગુ કરી હતી. જો કે, અશાંત વિસ્તાર રાજ્ય પર લાદવામાં આવ્યા બાદ મણિપુર સરકારે આ અંગે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. કેન્દ્ર સરકારે આ નિર્ણયની સમીક્ષા કરવી જોઈએ તેવું કહેવામાં આવ્યું હતું.