December 3, 2024

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી અંગે NIAની કાર્યવાહી, અનેક સ્થળો પર દરોડા

Jammu kashmir: જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ના દરોડા ચાલુ છે. NIAના આ દરોડા જમ્મુ-કાશ્મીરના રામબન, કિશ્તવાડ, ડોડા, રિયાસી અને ઉધમપુરના વિસ્તારોમાં થઈ રહ્યા છે. આતંકવાદીઓની ઘૂસણખોરીને લઈને NIAની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ઘાટીમાં અનેક આતંકવાદી ઘટનાઓ બની છે. જેના કારણે આતંકવાદીઓ સામે સુરક્ષાદળોની કાર્યવાહી પણ તેજ થઈ ગઈ છે.

આ પણ વાંચો: CBSEએ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાની તારીખ કરી જાહેર

સોમવારે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓના છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પોલીસ, સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ની સંયુક્ત ટીમે શોપિયાં જિલ્લાના કેલરમાં સર્ચ ઓપરેશન દરમિયાન એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે તેઓને ત્યાંથી રાંધવાના વાસણો અને ખાવાની વસ્તુઓ મળી આવી છે. પુલવામા અને બારામુલ્લા જિલ્લામાં બે અલગ-અલગ ઓપરેશનમાં, સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી અને આતંકવાદીઓ માટે કામ કરતા અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે.