November 27, 2024

ઉદયપુરના રાજવી પરિવારમાં વિવાદને કારણે DMએ જારી કર્યો આદેશ, લગાવ્યા અનેક પ્રતિબંધો

Udaipur: ઉદયપુરમાં રાજવી પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો ત્યારબાદ જિલ્લા પ્રશાસને હવે શહેરમાં સ્થિત સિટી પેલેસમાં વિવાદિત ભાગ માટે રીસીવરની નિમણૂક કરી છે. તેમજ ઉદયપુર જિલ્લા મેજીસ્ટ્રેટ અરવિંદ પોસવાલે આદેશ જારી કર્યો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 163 હેઠળ, ઉદયપુર શહેરના જગદીશ ચોકથી 500 મીટરના અંતર સુધી એક સ્થળે 5 કે તેથી વધુ લોકોના સમૂહમાં એકઠા થવા અને વિવિધ પ્રકારના શસ્ત્રો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ રહેશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે વિશ્વરાજ સિંહ અને તેમના સમર્થકો ધૂનીના દર્શન કરવા માટે પૂજા સ્થળમાં પ્રવેશ્યા ત્યારે તણાવ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં પરંપરા અનુસાર, મેવાડના રાજવી પરિવારના ભૂતપૂર્વ સભ્ય અને ભૂતપૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ મેવાડના મૃત્યુ પછી તેમના મોટા પુત્ર વિશ્વરાજ સિંહ મેવાડની રાજ્યાભિષેક વિધિ 25 નવેમ્બરના રોજ ચિત્તોડ કિલ્લામાં કરવામાં આવી હતી. રાજ્યાભિષેક પછી વિશ્વરાજ સિંહ ઉદયપુરના સિટી પેલેસમાં સ્થિત ધૂનીના દર્શન કરવા માંગતા હતા. પરંતુ તેમને દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં જ્યારે વિશ્વરાજ સિંહના સમર્થકોને આ વાતની જાણ થઈ તો તેઓએ મહેલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને આ વિરોધ ભારે હંગામામાં ફેરવાઈ ગયો. ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવામાં આવી.

ઘંટાઘર પોલીસ સ્ટેશનના અધિકારી યોગેન્દ્ર કુમાર વ્યાસ, જેમને ગઈકાલે રાત્રે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા રીસીવર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે હજુ સુધી કબજો લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે મંગળવારે સ્થિતિ નિયંત્રણમાં રહી હતી. બીજી તરફ વિશ્વરાજ સિંહે કહ્યું કે તેમને ધૂની જવાથી રોકવામાં આવ્યા જે તેમનો અધિકાર છે.

વિશ્વરાજ સિંહે કહ્યું કે તેઓ બુધવારે એકલિંગનાથજી મંદિર જશે. જિલ્લા કલેક્ટર અરવિંદ પોસવાલે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે થયેલા પથ્થરમારાના સંબંધમાં અજાણ્યા વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને સંબંધિત કલમો હેઠળ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે બંને પક્ષો સાથે વાતચીત દ્વારા મામલો ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તણાવના કારણે આજે સિટી પેલેસ નજીકના બજારો પણ બંધ રહ્યા હતા.

તેમને પ્રવેશતા કેમ અટકાવવામાં આવ્યા?
મહેન્દ્ર સિંહ મેવાડ (વિશ્વરાજના પિતા) અને તેમના નાના ભાઈ અરવિંદ સિંહ મેવાડ વચ્ચે વિવાદ છે અને સિટી પેલેસ વિશ્વરાજના કાકા અરવિંદ સિંહ મેવાડના નિયંત્રણ હેઠળ છે. મોટી પોળથી ધૂની સુધીના ભાગ માટે રીસીવરની નિમણૂક કર્યા પછી વિશ્વરાજ સિંહ સોમવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે ધૂનીની મુલાકાત લીધા વિના તેમના નિવાસસ્થાને ગયા હતા.

કાકા અરવિંદ સિંહ મેવાડના પુત્ર લક્ષ્યરાજ સિંહ મેવાડે મંગળવારે રાત્રે કહ્યું કે પૂજા અથવા દર્શનના નામે લોકોના જીવને જોખમમાં મૂકવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે સરકારી હોદ્દા પર રહેલા કેટલાક લોકો અંગત લાભ માટે વહીવટીતંત્ર પર દબાણ બનાવી રહ્યા છે અને બળજબરીથી કોઈના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. લક્ષ્યરાજે કહ્યું કે, આવી સ્થિતિની સંભાવના હતી. તેથી અમે ઘણા દિવસો પહેલા વહીવટીતંત્રને જાણ કરી હતી. તેમણે કહ્યું કે પૂજાના નામે લોકોને ગેરમાર્ગે દોરવા યોગ્ય નથી.