January 5, 2025

સુરતના પરમસુખ ગુરુકુળમાં થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી, વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસાના પાઠ કરાવ્યાં

અમિત રુપાપરા, સુરતઃ વર્ષનો છેલ્લો દિવસ એટલે 31 ડિસેમ્બર અને વર્તમાન સમયમાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આ દિવસની ઉજવણી યુવાનો ડાન્સ પાર્ટી કરીને કરતા હોય છે. હિન્દુ સંસ્કૃતિ વિશે બાળકોને સમજ આવે તેવા હેતુથી સુરતના પરમસુખ ગુરુકુળ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 31 ડિસેમ્બર એટલે કે વર્ષના છેલ્લા દિવસની ઉજવણી પશ્ચિમી સંસ્કૃતિ સાથે કરવાના બદલે પરમસુખ ગુરુકુળ દ્વારા વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસાના પાઠ કરાવીને કરવામાં આવી.

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હિન્દુ સંસ્કૃતિ વિષે માહિતગાર બને અને બાળકો શ્લોકો ચોપાઈ તેમજ હનુમાન ચાલીસા વિશે જાણકારી મેળવે તેવા હેતુથી 11 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન સરથાણા વિસ્તારમાં આવેલા પરમસુખ ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું હતું. વહેલી સવારે શાળાના તમામ વિદ્યાર્થીઓને ગુરુકુળના પરિસરમાં એકઠા કરવામાં આવ્યા હતા અને સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કરાવવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓએ સાથે મળીને 11 હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

વિદ્યાર્થીઓ દ્વારા કષ્ટભંજન દાદાના ફોટા સાથે દાદાને વિનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બાળકોના વાલીઓ દ્વારા પણ શાળાના સરાહનીય પ્રયાસને બિરદાવવામાં આવ્યો હતો. કારણ કે વર્તમાન સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના અનેક તહેવારોની ઉજવણી યુવાધન કરતો થયું છે અને તેમાં ક્યાંકને ક્યાંક હિન્દુ સંસ્કૃતિ કે જે આપણો જૂનો વારસો છે તે ક્યાંક ને ક્યાંક યુવાનો વિસરતા જઈ રહ્યા છે. એટલા માટે જ બાળકોમાં નાનપણથી જ હિંદુ સંસ્કૃતિ વિશે નોલેજ આવે એવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.