સુરતના ચૌટા બજારની ગલીઓમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ
સુરતઃ શહેર દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. પ્રગતિશીલ શહેર, બ્રિજ સિટી, સ્વચ્છ શહેર, હીરા નગરી, ટેક્સટાઇલ નગરી તેમજ અનેક ક્ષેત્રમાં સુરત આગળ છે. હવે સુરત શહેરમાં વિવિધ સ્થળો પર બોલીવૂડ મુવીના કલાકારો કે પછી ગુજરાતી ફિલ્મ સિટીના કલાકારો આવીને શૂટિંગ કરતા થયા છે. ત્યારે ગુજરાતી ફિલ્મ DEDA ફિલ્મના કલાકારો સુરત આવ્યા છે અને સુરતની ગલીઓમાં શૂટિંગ કરી રહ્યા છે. સુરત શહેરના ચૌટા બજારની જૂની શેરીઓમાં આ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. સુરત શહેરના જ જાણીતા પ્રોડ્યુસર બ્રિજેશ નરોલા, ડાયરેક્ટર હેમા શુક્લા, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ટુફેલ માવડીયાના નિર્દેશકમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.
પ્રખ્યાત ગુજરાતી કલાકાર ગૌરવ પાસવાલા આ ફિલ્મના મુખ્ય કલાકાર છે. ચૌટા બજારની ગલીઓમાં ગૌરવ પાસવાલાને શૂટ કરતા જોવા મળ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે, મૂડ સુરતી હોવાથી આ ફિલ્મ તેઓએ સ્વીકારી છે. સુરત શહેર તેમને પરિવારના સભ્યની જેમ રાખે છે. આ સાથે સુરતે ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ પણ આપ્યો છે, જેથી મને ખૂબ જ આનંદ થયો છે. ચૌટા બજાર એક ભડચક વિસ્તાર છે. જેમાં શૂટિંગ કરવું ખૂબ જ અઘરું સાબિત થયું છે, પણ ડિફિકલ્ટ ચેલેન્જ એક્સેપ્ટ કરવામાં હું માનું છું. જેથી આ ફિલ્મની સ્ટોરીની સાથે શૂટિંગના સ્થળો પણ મારે ખૂબ જ ગમ્યા છે. ચૌટા બજારમાં શૂટિંગ દરમિયાન તેમના ચાહકો પણ તેમની એક્ટિંગને જોઈ ખુશ થયા હતા.
આ ગુજરાતી ફિલ્મ વિશે ડાયરેક્ટર હેમા શુક્લાએ જણાવ્યું હતું કે, ‘આ ગુજરાતી ફિલ્મ અન્ય ફિલ્મ કરતાં જુદી છે કેમ કે, માતા ઉપર ઘણી બધી ફિલ્મ બની છે, પરંતુ આ એક એવી ફિલ્મ છે. જે પિતાના જીવન ઉપર આધારિત બની છે. કેવી રીતે મુશ્કેલીઓમાં બાળક માટે પિતા કેટલી હદ સુધી જઈ શકે તેવું દર્શાવ્યું છે.’