January 17, 2025

BJPના કાર્યકરનો બળાપો, “નેતાઓને કાર્યકર્તા નહીં, માછલાં ધોવા માથા જોઈએ છે”

જયેશ ચૌહાણ, અમદાવાદ: બીજેપી દ્વારા દેશભરમાં સંગઠન પર્વ 2025 ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સંગઠન પર્વ હેઠળ મંડલ અને વોર્ડ પ્રમુખોની મોટા ભાગની નિમણૂકો પૂર્ણ થઈ ગઈ છે અને હવે મહાનગરના શહેર અને જિલ્લા પ્રમુખોની યાદી ગમે તે સમયે જાહેર થઈ શકે એ સ્થિતિ છે, પરંતુ આ નિમણૂકોની પ્રક્રિયા વચ્ચે જૂના કાર્યકર્તાઓમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે.

“કાર્યકર્તાઓ નહીં માછલાં ધોવા માથા જોઈએ છે”
સંગઠન પર્વ અંતર્ગત રાજ્યમાં વિવિધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે બેઠકોમાં આવતા જૂના કાર્યકર્તાઓમાં અંદરખાને ક્યાંકને ક્યાંક અવગણનાનો સુર જોવા મળી રહ્યો છે. જેના પરિણામે નેતાઓની સામે તો નહીં પણ બેઠકોમાંથી બહાર નીકળીને હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બળાપો કાઢી રહ્યા છે. આજે જે.પી નડ્ડાના 19 જાન્યુઆરીના કાર્યક્રમની તૈયારીઓને લઈ મળેલી બેઠક બાદ પણ આ અવગણનાનો સુર જોવા મળ્યો હતો. ખાનપુર કાર્યાલય બહાર 2 હોદ્દેદારોની વાતચીત દરમિયાન એક હોદ્દેદારે બળાપો કાઢતા કહ્યું હતું કે, “નેતાઓને કાર્યકર્તાઓ નહીં પણ માછલાં ધોવા માથાઓ જોઈએ છે”, નવા કાર્યકર્તાઓ શોધી રહ્યા છે અને એમને હોદ્દાઓ મળી રહ્યા છે પણ જૂના કાર્યકર્તાઓનું વિચારી રહ્યાં નથી.

“વોર્ડ પ્રમુખની નિમણૂંકમાં પણ આંતરિક કલેહ”
અમદાવાદ શહેર બીજેપીમાં 48 વોર્ડ પ્રમુખની પસંદગી પ્રક્રિયા થયા બાદ 40 વોર્ડ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી અને 8 વોર્ડના પ્રમુખોના નામ જાહેર કરવાના બાકી હતા એ વચ્ચે કુબેરનગર વોર્ડ પ્રમુખ રામ પ્યારે ઠાકુરની નિમણૂક વચ્ચે સ્થાનિક કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને રામ પ્યારે દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કર્યાના આરોપ બાદ પક્ષ દ્વારા રામ પ્યારેની નિમણૂકને રદ્દ કરી દેવામાં આવી છે. તો જમાલપુરમાં પણ વોર્ડ પ્રમુખની નિમણૂકનો વિરોધ થયો હતો, પરંતુ એ અંગે ડેમેજ કંટ્રોલ કરી લેવામાં પક્ષને સફળતા મળી હતી એ વચ્ચે હવે 9 વોર્ડ પ્રમુખની નિમણૂક બાકી રહી છે.

“અમદાવાદમાં શહેર સંગઠન અને ધારાસભ્યો વચ્ચે ખેંચતાણ”
વોર્ડ પ્રમુખની નિમણૂક અટવાવાનું એક કારણ સંગઠન અને ધારાસભ્યો આમને સામને હોવાનું પણ છે. ધારાસભ્યો પોતાની નજીકના લોકોને વોર્ડ પ્રમુખ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે, જ્યારે સંગઠન અલગ દિશામાં વિચારી રહ્યું છે. સંગઠન અને ધારાસભ્યો ખટરાગને કારણે જ હજુ સુધી સાબરમતી, વેજલપુર, દરિયાપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં વોર્ડ પ્રમુખની નિમણૂક અટકી પડી છે. શહેરની વિધાનસભાઓમાં એક સીટ પર બીજેપીના ધારાસભ્ય નથી એવા ખાડિયા વોર્ડમાં પણ વોર્ડ પ્રમુખની નિમણૂક અટવાઈ છે. કારણ કે વોર્ડ પ્રમુખ માટે દાવેદારી કરનાર 13 જેટલા લોકોમાંથી કોઈ પણ કાર્યકર્તા વોર્ડ પ્રમુખ બનવાની યોગ્યતા ન ધરાવતા હોવાનો મત સ્થાનિક બીજેપી નેતાઓનો છે. આ સળગતી સ્થિતિમાં કોઈ પોતાના હાથ દઝાળવા તૈયાર નથી ત્યારે માનવામાં આવી રહ્યું છે નવા શહેર પ્રમુખ જ આ બાકી રહેલા 9 વોર્ડમાં પ્રમુખની નિમણૂક કરશે.

“એક પૂર્વ સાંસદ પણ જિલ્લા પ્રમુખના લોબિંગ માટે કમલમ પહોંચ્યા”
રાજનીતિમાં આવ્યા બાદ પદ્દનો પાવર એન્જોય કરવા માટે નેતાઓ ફફડતા જોવા મળતા હોય છે. એવી જ રીતે કમલમ કાર્યાલય ખાતે જિલ્લા નિરીક્ષકોની ગુજરાતનાં મુખ્ય ચુંટણી અધિકારી અને પ્રદેશ નેતાઓ સાથે મળેલી બેઠકમાં સૌરાષ્ટ્રના એક પૂર્વ રાજ્યસભા સાંસદ પણ પોતાને જિલ્લા પ્રમુખ બનાવવાની ભલામણ સાથે પહોંચ્યા હતા.