January 20, 2025

26મીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી, તાપીમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ; જાણો તમામ વિગત

ગાંધીનગરઃ આગામી 26મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ગુજરાત સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ તાપી જિલ્લામાં ઉજવવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ સાબરકાંઠામાં ધ્વજવંદન કરશે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડમાં ધ્વજવંદન કરશે.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ રાજકોટ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત મહેસાણામાં ધ્વજવંદન કરશે. આ ઉપરાંત અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા બોટાદ, પ્રવાસન મંત્રી મુળુ બેરા જામનગરમાં, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર ભાવનગરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે.

મહિલા અને બાળ આયોગ મંત્રી ભાનુબેન બાબરિયા અમદાવાદમાં તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરમાં ધ્વજવંદન કરી ઉજવણી કરશે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરતમાં, મંત્રી જગદીશ વિશ્વકર્મા ખેડામાં, મંત્રી પુરુષોત્તમ સોલંકી સુરેન્દ્રનગરમાં, મંત્રી બચુ ખાબડ દાહોદમાં, મંત્રી મુકેશ પટેલ નવસારીમાં, મંત્રી ભીખુસિંહ પરમાર છોટાઉદેપુર, મંત્રી કુંવરજી હળપતિ ભરૂચમાં ધ્વજવંદન કરશે. આ ઉપરાંત બાકીના તમામ જિલ્લામાં સ્થાનિક કલેકટર ધ્વજવંદન કરશે.