January 21, 2025

Trump Oath Ceremony: PMના ખાસ દૂત તરીકે એસ જયશંકર આપશે હાજરી, રાષ્ટ્રપતિને આપશે PM મોદીનો ખાસ પત્ર

PM Modis letter for President Trump: વિદેશમંત્રી એસ જયશંકર આજે વોશિંગ્ટનમાં નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં PM નરેન્દ્ર મોદીના ખાસ દૂત તરીકે હાજરી આપશે. આ પ્રસંગે જયશંકર PM તરફથી ટ્રમ્પને એક ખાસ પત્ર સોંપશે.

સૂત્રો અનુસાર, જયશંકર સોમવારે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં PM મોદીનું પ્રતિનિધિત્વ તેમના ખાસ દૂત તરીકે કરશે. ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળશે. સૂત્રોએ જણાવ્યું કે, યુએસ રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશ મંત્રી જયશંકરની હાજરી ભારતની સામાન્ય પરંપરા અનુસાર છે. જેમાં રાજ્ય અને સરકારના વડાઓના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ખાસ દૂતો મોકલવામાં આવે છે.

ભૂતકાળના ઉદાહરણો ટાંકીને, સૂત્રોએ જણાવ્યું હતું કે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે મે 2023માં નાઇજીરીયાના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી, તે જ સમયે, તત્કાલીન પૃથ્વી વિજ્ઞાનમંત્રી કિરેન રિજિજુએ નવેમ્બર 2023માં માલદીવના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ગયા વર્ષે જુલાઈમાં ઈરાનના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી અને અને વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ ઓક્ટોબર 2024માં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ અને મેક્સિકોના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે જૂન 2022માં, તત્કાલીન વિદેશ રાજ્યમંત્રી રાજ કુમાર રંજન સિંહ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.