હવે કોઈ નહીં કરે PAYTM? શેર ભાંગીને ભૂક્કો થઈ ગયો
યશ ભટ્ટ, અમદાવાદઃ RBI દ્વારા કડક પગલાં લેવાયા બાદ PAYTMના શેરમાં સતત વેચવાલી જોવા મળી છે. 13 ફેબ્રુઆરીએ પણ દિવસની શરૂઆત ફરી વેચવાલી સાથે જ થઈ. કારણ છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસ મેક્વાયરી. તેમણે શેર પર નકારાત્મક મત રજૂ કર્યો છે. મેક્વાયરીને અહીંથી હજુ પણ 60-65 ટકાનો ઘટાડો આવકમાં આવી શકે તેવો અંદેશો છે.
મેક્વાયરીએ PAYTM એટલે કે વન97 કમ્યુનિકેશનને હવે અંડરપર્ફોમ રેટિંગ આપી ડાઉનગ્રેડ કર્યો છે. અહીં હવે લક્ષ્ય રૂ.650થી ઘટાડીને રૂ.275 પ્રતિ શેર કરી દેવામાં આવ્યો છે. મેક્વાયરીના મતે RBI દ્વારા લેવાયેલા કડક પગલાંને કારણે આ શેરના પૈસા કમાવાના રસ્તા બંધ થતા જોવા મળ્યા છે. આ સાથે બિઝનેસ મોડલ પણ હવે ખોરવાયું છે.
આ નવા લક્ષ્યને કારણે 25થી 30 ટકાનો હજુ પણ ઘટાડો આવી શકે તેવી આશા મેક્વાયરીએ વ્યક્ત કરી છે. અહીં મેક્વાયરીના રિપોર્ટમાં કહેવાયું છે કે, કંપનીની ખોટ હજુ પણ 170 ટકા FY25માં અને FY26માં 40 ટકા વધી શકે છે.
PAYTMની પેમેન્ટ્સ બેન્કમાં હવે નવી ડિપોઝીટ જમા નહીં કરાવી શકાય. આ સાથે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ જે ગ્રાહકોના ખાતામાં થતા હોય તેના પર રોક લગાવાઈ છે. આ સાથે પ્રિપેઈડ સાધનો, વોલેટ, ફાસ્ટટેગ પર પણ રોક લગાવાઈ છે. સાથે PAYTM હવે કોઈ પણ પ્રકારના વ્યાજ, કેશબેક કે રિફંડ પણ નહીં આપી શકે.
હાલમાં PAYTM પાસે 33 કરોડ ગ્રાહકો છે. જેમાંથી 11 કરોડ ગ્રાહકો દર મહિને ટ્રાન્ઝેક્શન કરે છે. મેક્વાયરીના રિપોર્ટમાં આ આંકડાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે આ ગ્રાહકોને જ્યારે પેમેન્ટ બેન્કના કામકાજ માટે અન્ય બેન્કના અકાઉન્ટનો ઉપયોગ કરવો પડશે તો તેમાં પણ KYCની જરૂરત પડશે.
આ સ્થિતિમાં હવે નાના કરિયાણા સ્ટોર ગ્રાહકો પાસેથી ફરી રોકડાની માંગ કરવા લાગ્યા છે. કારણ કે PAYTMમાં જે થયું, તેનાથી આમને પૈસા ફસાઈ જવાનો ડર પણ લાગી રહ્યો છે. QR કોડથી થતા કામકાજમાં હવે વેપારીઓને વિશ્વાસ થોડો ઘટી રહ્યો છે.
PAYTM ભારતની UPI અને ડિજિટલ પેમેન્ટ ક્રાંતિમાં એક બહુમલ્ય યોગદાન આપનાર કંપની છે. પરંતુ અહીં સતત નિયમો અને મની લોન્ડરીંગના કાયદાના ઉલ્લંઘનને કારણે આખરે RBI દ્વારા આટલા કડક નિર્ણય લેવાયાં છે. જેથી આ શેરના ભાવમાં આટલો મોટો ઘટાડો આવતો જોવા મળ્યો.
2018થી આજ સુધીમાં RBIએ PAYTMને ચાર વખત આવા ગંભીર આરોપો માટે સતત સવાલો પૂછ્યા હતા. તેમ છતાં PAYTM દ્વારા યોગ્ય ફેરફાર ન કરવામાં આવતા હવે PAYTM સામે RBI દ્વારા આખરી પગલા સ્વરૂપે કડક નિર્ણય લેવામાં આવ્યા હતા.
(ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી રોકાણની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે, ન્યૂઝ કેપિટલ વેબસાઈટ કે તેના સ્ટાફ દ્વારા નહીં. ન્યૂઝ કેપિટલ આપને કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં પોતાના નાણાંકિય સલાહકારની સલાહ લેવાનો આગ્રહ કરે છે.)