November 24, 2024

દાહોદ નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એકની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર

dahod bogus office scam one arrested 3 days remand granted

સંજય પંડ્યાની તસવીર

નીલુ ડોડિયાર, દાહોદઃ નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસે વધુ એક ખુલાસો કર્યો છે અને તત્કાલિન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યાની અમદાવાદથી ધરપકડ કરી છે.

સંજય પંડ્યાની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાં દાહોદ પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જ્યાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સંજય પંડ્યાએ આબુ બકર સાથે મળી 18 કામો મંજૂર કર્યા હતા. આ ઉપરાંત 2.78 કરોડનું કૌભાંડ આચર્યું હતું. મહત્વનું છે કે, કચેરી પ્રકરણમાં અત્યાર સુધી 14 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપી વોન્ટેડ છે.

સંજય પંડ્યા એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધી દાહોદમાં પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજાધિન હતા. સંજય પંડ્યા દ્વારા અબુ બકર સાથે મળી 2.78 કરોડ ઉપરાંતના 18 કામો મંજૂર કરી કૌભાંડ આચર્યું હતું. કચેરી પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરી છે. દાહોદ પોલીસે તાજેતરમાં નકલી કચેરી કૌભાંડમાં 7 બેંકોના 200 સ્ટેટમેન્ટ સાથેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. પોલીસ તપાસના અંતે 18.59 કરોડનું નકલી કચેરી કૌભાંડ હવે 25 કરોડ પર આંબી ગયું છે.

પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાએ સ્પષ્ટતા કરી હતી કે, ‘ભલે ચાર્જશીટ કોર્ટમાં રજૂ થઈ ગઈ હોય પરંતુ પોલીસ આ મામલે અંદરખાને તપાસ ચાલુ રાખશે અને જ્યાં સુધી કેસની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ અટકશે નહીં’. થયું પણ એવું કે, પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના ગણતરીના દિવસોમાં જ નકલી કચેરી કૌભાંડમાં સામેલ તત્કાલિન પ્રાયોજના વહીવટદાર સંજય જગદીશ પંડ્યાની અમદાવાદથી દાહોદ ASP કે. સિદ્ધાર્થની ટીમે ધરપકડ કરી હતી અને પૂછપરછ માટે દાહોદ લાવ્યા હતા.

મહત્વનું છે કે, નિયમ પ્રમાણે, સંજય પંડ્યાની ધરપકડની જાણ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને પણ કરવામાં આવી હતી. કારણ કે તેઓ વર્ગ 1ના અધિકારી તરીકે ફરજાધિન હતા. સંજય પંડ્યા 2005 GAS કેડરના ડેપ્યુટી કલેક્ટર વર્ગ-1ના અધિકારી તરીકે જાહેર સેવામાં જોડાયા હતા અને 19/4/2022થી 1/3/2023 સુધી દાહોદમાં પ્રાયોજના કચેરીમાં પ્રાયોજના વહીવટદાર તરીકે પદસ્થ હતા. હાલ જ્યારે તેમની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી ત્યારે વર્તમાનમાં તેઓ ગાંધીનગર સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તત્કાલિન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યા દ્વારા નકલી કચેરી કોભાંડનો માસ્ટરમાઈન્ડ અબુ બકર સૈયદ સાથે મળી કુલ 18.59 કરોડના કૌભાંડમાં 2.78 કરોડના કુલ 18 કામો નકલી કચેરીમાં ફાળવી નકલી કચેરી કૌભાંડમાં સરખે સરખી ભાગીદારી નિભાવી હતી. આ સમગ્ર નકલી કચેરી કૌભાંડ હવે 18.59 કરોડથી વધીને 25 કરોડ ઉપરાંતનું પહોંચી જવા પામ્યું છે.

આ પ્રકરણમાં હજી સુધી 11 કરોડ ઉપરાંતની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સાથે ચાર્જશીટમાં 7 બેંકના 200 જેટલા સ્ટેટમેન્ટ સામેલ કરવામાં આવ્યા છે. તેમાંથી ઘણા બધા ખાતાઓ પોલીસે સીઝ કરી નકલી કચેરી કૌભાંડમાં વપરાયેલી સરકારી ગ્રાન્ટ રિકવર કરવામાં સફળતા સાંપડી છે. ત્યારબાદ હમણાં સુધી દાહોદ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં નિવૃત આઈએએસ અધિકારી બીડી નિનામા, કાર્યપાલક ઇજનેર ઈશ્વરસિંહ કોલચા, તત્કાલિન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યા, પ્રાયોજના કચેરીમાં ફરજ બજાવતા અન્ય ચારથી વધુ કર્મચારીઓ તથા નકલી કચેરી કૌભાંડ આચરનારા ભેજાબાજો સહિત અત્યાર સુધીમાં 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ આ સમગ્ર કેસમાં હજુ પણ બે આરોપીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે ભલે નકલી કચેરી કૌભાંડમાં ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી દીધી છે. પરંતુ આ નકલી કચેરી કૌભાંડની તપાસ હજુ પણ પોલીસ અધિક્ષક ડો. રાજદીપ સિંહ ઝાલાના નિર્દેશનમાં ASP કે. સિદ્ધાર્થ તેમજ તેમની ટીમ બિલકુલ ગુપ્ત રીતે ચાલી રહી છે. જેમાં આગામી સમયમાં જેમ જેમ તપાસની ત્રિજ્યા લંબાતી જશે તેમ તેમ આ કૌભાંડમાં સામેલ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ સાથે પકડાયેલા આરોપીઓએ નકલી કચેરી કૌભાંડમાં વાપરેલા સરકારી નાણા ક્યાં ક્યાં ખર્ચ કર્યા છે તે માટે પોલીસ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. આ કેસમાં ઉચાપત કરેલા સરકારી નાણામાંથી કોઈ મિલકત ખરીદવામાં આવી હશે અથવા અન્ય કઈ કઈ જગ્યાએ નાણાં ખર્ચવામાં આવ્યા છે. તે અંગે પણ નામદાર કોર્ટની ગાઈડલાઈન મુજબ ટાંચમાં લઈ સરકારના રૂપિયાની પૂરેપૂરી રિકવરી કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.