કેરીનાં રસિયાઓ માટે માઠાં સમાચાર, ઓછું ફ્લાવરિંગ-ખરાબ વાતાવરણથી નુકસાન
રાજેશ ભજગોતર, ગીર સોમનાથઃ તાલાલા અને ગીર પંથકમાં પ્રતિકૂળ હવામાન અને દિવાળી ગળામાં પડેલું માવઠું અને આંબાવાડીમાં રોગને કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે, તો કુદરતી હવામાનના પલટાના કારણે વિશ્વવિખ્યાત કેસર કેરી 15થી 20 દિવસ બજારમાં મોડી આવશે.
વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના બગીચાઓમાં ફ્લાવરિંગ મોર આ વર્ષે મોડું આવ્યું છે. એક તરફ રોગ અને બદલાતા વાતાવરણ, રાત્રે ઠંડી દિવસમાં ગરમી અને ઝાકળના કારણે કેસર કેરી આ વર્ષે માર્કેટમાં મોડી આવી શકે છે.
ત્યારે આ વર્ષે આંબાવાડીમાં ફ્લાવરિંગ ઓછું અને મોડું આવ્યું છે. ઠંડા પવનવાળું વાતાવરણ અને દિવાળીમાં પડેલા માવઠાંને કારણે તાલાલા-ગીર વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. તાલાલા પંથકમાં ઠંડુ અને ભેજવાળું વાતાવરણ સર્જાવાને કારણે મોર 15થી 20 દિવસ મોડો આવ્યો છે. કેરી મોડી આવી છે અને તેના કારણે ખેડૂતો ભારે ચિંતિત બન્યાં છે, તો કેસર કેરી 15થી 20 દિવસ બજારમાં મોડી આવશે તેવું જણાય છે.
ખેડૂતોનું કહેવું છે કે, પ્રતિકૂળ વાતાવરણ અને અને દિવાળીમાં પડેલા માવઠાને કારણે અને મઘિયો જેવાં રોગને કારણે કેસર કેરીને ખૂબ નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે હવે આ વાતાવરણને કારણે કેસર કેરી બજારમાં પ્રતિ સિઝન કરતાં આ વર્ષે 15થી 20 દિવસ મોડી જોવા મળશે. તેના ભાવમાં પણ હવે વધારો જોવા મળશે. ત્યારે ખેડૂતો કેસર કેરીમાં છેલ્લા પાંચેક વર્ષથી સતત નુકસાની ભોગવી રહ્યા છે. તો બીજી તરફ, સરકાર પાસેથી મદદની અપેક્ષા પણ રાખી રહ્યા છે.