PM મોદીની ગેરંટીની સામે કોંગ્રેસની ન્યાયની ગેરંટી, 8 મુદ્દાઓ પર જામશે જંગ
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ સાથે દેશભરમાં આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે. આ વખતે પણ લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે. આ સાથે જ રાજકીય પક્ષો ચૂંટણીમાં વિવિધ મુદ્દાઓ અને ‘ગેરંટી’ની મદદથી જનતા પર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદી અને કોંગ્રેસ પોતાની યોજનાઓ અને ગેરંટીથી ચૂંટણીમાં પ્રભુત્વ જમાવવા જઈ રહ્યા છે.
પીએમ મોદીની ગેરંટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીતીને પોતાની હેટ્રિક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ભાજપે ‘મોદીની ગેરંટી’ને પોતાના અભિયાનનો મુખ્ય મુદ્દો બનાવ્યો છે. પીએમ મોદીની વેબસાઇટ પર ‘મોદીની ગેરંટી’ વિશે પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોના વિકાસ, મહિલા સશક્તિકરણ, ખેડૂતોના કલ્યાણ અને નબળા વર્ગની ગેરંટી છે.
ન્યાયની કોંગ્રેસની ગેરંટી
કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસે પણ મોરચો ખોલ્યો છે. કોંગ્રેસે આ વખતે ‘ન્યાયની ગેરંટી’ પણ ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. કોંગ્રેસને હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાની રાજ્ય ચૂંટણીમાં પણ ફાયદો થયો હતો. બીજી બાજુ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તેની 5 ‘ન્યાય’ ગેરંટી જનતા સમક્ષ મુકી છે. યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને મજૂરો માટે ન્યાય સુનિશ્ચિત કરીને તમામનું ધ્યાન કોંગ્રેસ તરફ ખેંચ્યું છે.
કલમ 370, CAA અને યુનિફોર્મ સિવિલ કોડ
ભાજપે છેલ્લા કેટલાક વર્ષોમાં જનતા માટે એવા કામ કર્યા છે જે આ વખતે ચૂંટણીનો મુદ્દો બન્યો છે. જેમાં ભાજપ લોકોની વચ્ચે જઈને કલમ 370, CAA અને સમાન નાગરિક સંહિતા સહિતના મુદ્દાઓ વિશે જણાવી રહી છે. ભાજપે નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 લાગુ કરીને અને જમ્મુ અને કાશ્મીર માટે કલમ 370 નાબૂદ કરીને તેના વચનો પૂરા કર્યા છે. હાલમાં જ CAA પણ લાગુ કરવામાં આવ્યો છે.
‘અમૃત કાળ’ સામે ‘અન્યાય કાળ’
ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ દાવો કરી રહ્યું છે કે મોદી સરકારે ‘અમૃત કાળ’માં સુશાસન, ઝડપી વિકાસ અને ભવિષ્ય માટેનું વિઝન તૈયાર કર્યું છે. તો બીજી બાજુ કોંગ્રેસે મોદી સરકારના 10 વર્ષને ‘બેરોજગારી, વધતી કિંમતો, સંસ્થાઓ પર કબજો, બંધારણ પર હુમલો અને વધતી આર્થિક અસમાનતાઓ સાથે ‘અન્યાય કાળ’ ગણાવ્યો છે. આ રીતે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે.
રામ મંદિર
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ભાજપે દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.જેનો શ્રેય પીએમ મોદીને આપતા ભાજપે કહ્યું છે કે આ વર્ષો જૂનું સપનું સાકાર થયું છે અને બીજી બાજુ વિપક્ષી નેતાઓનું પણ માનવું છે કે ઉત્તર ભારતમાં રામ મંદિરથી ભાજપને ફાયદો થયો છે.
બેરોજગારી અને મોંઘવારી
દેશમાં લાંબા સમયથી બેરોજગારી અને મોંઘવારી એક મોટો મુદ્દો છે. હાલમાં કોંગ્રેસ સહિત INDIA ગઠબંધનમાં સામેલ પક્ષો પણ બેરોજગારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓની વધતી કિંમતોનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. જેમાં આ વખતે નોકરીનો અભાવ સૌથી મોટો મુદ્દો છે. તમામ પક્ષો આ મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, ભાજપે રોજગાર, વૃદ્ધિ અને ઝડપથી વિકસતા અર્થતંત્રને ટાંકીને વળતો પ્રહાર કર્યો છે.