November 25, 2024

‘કેશ ફોર ક્વેરી’ કેસમાં CBIએ આપ્યો તપાસનો આદેશ, ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો દાવો

Cash For Query Case: બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે કેશ ફોર ક્વેરી કેસમાં તેમની ફરિયાદોને સાચી માનીને લોકપાલે ટીએમસી નેતા મહુઆ મોઇત્રા સામે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. બીજી બાજુ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઇત્રાએ ઉદ્યોગપતિ હિરાનંદાની પાસેથી પૈસા લીધા અને સંસદમાં પ્રશ્નો પૂછ્યા હતા.

નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘સત્યમેવ જયતે, આજે મારી ફરિયાદને સાચી માનીને લોકપાલે CBIને મહુઆ મોઇત્રા સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એટલે કે થોડાક રૂપિયા માટે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદે ભ્રષ્ટાચાર અને દેશની સુરક્ષા હિરાનંદાની પાસે ગીરવે મૂકી દીધી. જય શિવ’

હકિકતે, બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ ટીએમસી નેતા મહુઆ મોઇત્રા પર સંસદમાં સવાલ પૂછવા માટે પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, આરોપ છે કે મહુઆએ પોતાના મિત્ર હિરાનંદાનીને સંસદનું લોગિન આઈડી અને પાસવર્ડ આપ્યો હતો. નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને મહુઆ વિરુદ્ધ તપાસની માંગ કરી હતી. ત્યારબાદ એથિક્સ કમિટીની રચના કરવામાં આવી. એથિક્સ કમિટીએ મહુઆ સામેના આરોપોને યોગ્ય ઠેરવ્યા હતા અને કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારબાદ, મહુઆ મોઇત્રાના વર્તનને અનૈતિક અને અભદ્ર ગણીને તેની સભ્યપદ રદ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, મહુઆ મોઇત્રાએ 2019માં પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ટીએમસીની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. મમતા બેનર્જીની પાર્ટીએ આ વખતે પણ આ જ સીટ પરથી મહુઆને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે.