November 23, 2024

દિલ્હીમાં AAPની ઓફિસ ‘સીલ’, આતિશીએ કહ્યું, ચૂંટણી પંચ સમક્ષ મામલો ઉઠાવીશું

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ શનિવારે દાવો કર્યો હતો કે દિલ્હીમાં પાર્ટી કાર્યાલયને ચારે બાજુથી ‘સીલ’ કરી દેવામાં આવ્યું છે. પાર્ટી આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરશે. આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં પાર્ટી ઓફિસને સીલ કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ પગલું બંધારણ દ્વારા આપવામાં આવેલી સમાન તકોની વિરુદ્ધ છે. બીજી બાજુ સૌરભ ભારદ્વાજે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આશા છે કે ચૂંટણી પંચ આ અંગે નિષ્પક્ષતાથી કામ કરશે. તેણે ચૂંટણી પંચ પાસે દિલ્હી પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો: ‘હું જલદી બહાર આવીશ’, પત્ની સુનીતાએ વાંચ્યો જેલમાં બંધ કેજરીવાલનો સંદેશ

AAPએ ચૂંટણી પંચને અપીલ કરી
દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે લોકસભા ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય પાર્ટીનું કાર્યાલય કેવી રીતે બંધ કરી શકાય? આ ભારતીય બંધારણમાં આપવામાં આવેલી ‘સમાન તક’ વિરુદ્ધ છે. અમે આની સામે ફરિયાદ કરવા માટે ચૂંટણી પંચ પાસે સમય માંગીએ છીએ.બીજી બાજુ AAPના અન્ય એક વરિષ્ઠ નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે પાર્ટી ઓફિસના તમામ પ્રવેશદ્વાર બંધ કરી દીધા છે.

શું કહ્યું સૌરભ ભારદ્વાજે?
સૌરભ ભારદ્વાજે ‘X’ પરની પોસ્ટમાં લખ્યું છે કે અમે ચૂંટણી પંચ પાસે જઈશું, કેન્દ્ર સરકારે ITOમાં AAP હેડ ઓફિસના તમામ પ્રવેશદ્વાર બંધ કરી દીધા છે, તે પણ આદર્શ આચારસંહિતા લાગુ કરતી વખતે. મધ્ય દિલ્હીમાં ITO નજીક DDU માર્ગ પરની AAP કાર્યાલય પણ શુક્રવારે ભાજપના મુખ્યાલયમાં પક્ષના નેતાઓ અને કાર્યકરોના વિરોધ વચ્ચે બંધ કરવામાં આવી હતી. BJP અને AAPનું મુખ્યાલય પંડિત દીન દયાલ માર્ગ (DDU) પર સ્થિત છે.

આ પણ વાંચો: તિહારમાં તમારું સ્વાગત છે… મહાઠગ સુકેશનો કેજરીવાલને પત્ર

શું અમે અમારા ઘરે પણ ન જઈ શકીએ: સૌરભ ભારદ્વાજ
AAP મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે તમે કયા કાયદા હેઠળ અમારા મંત્રીઓને તેમની ઓફિસમાં જતા રોકી રહ્યા છો? તમે પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયને ચારે બાજુથી સીલ કરશો. અમે આતિશીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અમારી કારને પણ રોકાઈ હતી. શું અમે અમારા ઘરે પણ ન જઈ શકીએ? અમે ચૂંટણી પંચ પાસે સમય માંગ્યો છે અને અમે તેની ફરિયાદ ચૂંટણી પંચને કરીશું. આશા છે કે ચૂંટણી પંચ આ અંગે નિષ્પક્ષતાથી કાર્યવાહી કરશે. તેમણે ચૂંટણી પંચ પાસે દિલ્હી પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.