December 21, 2024

21 વર્ષીય અભિષેક પોરેલની તુફાની બેટિંગ, છેલ્લી ઓવરમાં 25 રન બનાવ્યા

મુલ્લાનપુર: પંજાબ કિંગ્સ સામે IPL 2024ની તેમની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સે જોરદાર શરૂઆત કરી હતી. પાવરપ્લે બાદ ટીમનો સ્કોર 54 રન હતો. મિડલ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થતાં સ્કોર 19 ઓવરમાં 8 વિકેટે 149 રન પર હતો. એવું લાગી રહ્યું હતું કે ટીમ 160ના સ્કોર સુધી પણ નહીં પહોંચે, પરંતુ ત્યાર બાદ છેલ્લી ઓવરમાં ઈમ્પેક્ટ પ્લેયર અભિષેક પોરેલે પર્પલ કેપ જીતનાર હર્ષલ પટેલની બોલિંગ સામે તુફાની બેટિંગ કરી હતી. અભિષેકે 5 બોલમાં 5 બાઉન્ડ્રી ફટકારી હતી.

અભિષેકે છેલ્લી ઓવરમાં 5 બાઉન્ડ્રી મારી
હર્ષલ પટેલની છેલ્લી ઓવરમા અભિષેક પોરેલે પહેલાં 5 બોલ પર 5 બાઉન્ડ્રી ફટકારી હતી. પહેલા બોલ પર તેણે બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ ચોગ્ગો ફટકાર્યો.  હર્ષલે બીજો બોલ ધીમી ગતિએ ફેંક્યો પોરેલે ડીપ મિડ-વિકેટ પર સિક્સ ફટકારી હતી. ત્રીજા બોલમાં સ્ક્વેર લેગમાં ચોગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલ પર થર્ડ મેન પર ચોગ્ગો માર્યો હતો અને પાંચમાં બોલમાં હર્ષલે ફરીથી ધીમી ગતિએ ફેક્યો અને અભિષેકે સિક્સર ફરકારી હતી.

માત્ર 10 બોલમાં 32 રન બનાવ્યા
રિકી ભુઈના સ્થાને અભિષેક પોરેલને દિલ્હી કેપિટલ્સ દ્વારા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર એક રન લીધો હતો અને આ રીતે ઓવરમાં 25 રન થયા હતા. પોરેલે 10 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. નોંધનીય છે કે પોરેલને ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા કરાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:  KKR vs SRH: એક દેશના બે ખેલાડી આજે સાંજે સામસામે

પંજાબને 175 રનનો ટાર્ગેટ મળ્યો હતો
દિલ્હી કેપિટલ્સે પહેલી બેટિંગ કરી પંજાબ કિંગ્સ સામે નવ વિકેટે 174 રન બનાવ્યા હતા. ડિસેમ્બર 2022માં માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ પ્રથમ વખત ક્રિકેટમાં પરત ફરેલા રિષભ પંતે 13 બોલમાં બે ચોગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા. ટીમ માટે સૌથી વધુ સ્કોર શાઈ હોપે 33 રનની ઇનિંગ રમી હતી. પંજાબ કિંગ્સ માટે અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલે બે-બે વિકેટ લીધી હતી જ્યારે કાગીસો રબાડા, હરપ્રીત બરાર અને રાહુલ ચાહરે એક-એક વિકેટ લીધી હતી.