રાજ્યનું પાટનગર સૌથી ગરમ, ગાંધીનગરમાં 40થી વઘુ ડિગ્રી તાપમાન
અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શરૂઆતથી જ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યનું પાટનગર સૌથી ગરમ શહેર બન્યું છે. ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 39 ડિગ્રી, અમરેલી અને વડોદરામાં 39.4 ડિગ્રી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન?
- ગાંધીનગર – 40.2
- અમદાવાદ – 39
- અમરેલી – 39.4
- વડોદરા – 39.4
- રાજકોટ – 38.8
- સુરેન્દ્રનગર – 38.8
- બનાસકાંઠા – 38
- ભાવનગર – 37.8
વડોદરામાં ઉકળાટ વધ્યો
વડોદરા શહેરમાં બે દિવસથી ગરમીમાં રાહત જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં તાપમાન 37 ડિગ્રીના આસપાસ નોંધાયું છે. રાત્રિના સમયે વોર્મ નાઈટનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાન ઘટ્યો છે, પરંતુ ઉકળાટ યથાવત છે. આગામી દિવસોમાં તાપમાન વધે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ ‘ભારત રત્ન’ લાલ કૃષ્ણ અડવાણીનું ગુજરાત કનેક્શન, રામ રથયાત્રાથી માંડીને સાંસદ સુધીની કહાણી
શું કહે છે અંબાલાલ પટેલ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વૈશાખીની આગાહી કરી છે. તેમણે કહ્યુ છે કે, ‘એપ્રિલ મહિનામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. આ ઉપરાંત એપ્રિલ મહિનામાં તોફાન-વંટોળવાળું હવામાન રહે તેવી પણ સંભાવના છે. મકાનોનાં પતરાં ઉડી જાય તેવો ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.’
ગરમી અંગે આગાહી કરતા તેમણે જણાવ્યુ છે કે, ‘કાળઝાળ ગરમી પડશે અને તાપમાનનો પારો પણ સતત વધશે. માર્ચ મહિનાનાં અંતમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે. જ્યારે એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. આ સિવાય પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક છાંટા પડી શકે છે.’
આ પણ વાંચોઃ દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
ગુજરાતના હવામાન વિભાગે શું કહ્યું?
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, ‘આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં 40 ડિગ્રી તાપમાન રહેશે. ત્યારબાદ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર 40 ડિગ્રી તાપમાન રહેશે. આ સિવાય આજે ઉત્તર ગુજરાતમાં પણ ગરમી યથાવત્ રહેશે. રાત્રિના સમયે બનાસકાંઠા, અમદાવાદ, આંણદ વડોદરા ગરમ રહેશે. આ ઉપરાંત અમરેલીમાં 40.8 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન છે.’
ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ હતો
ગઈકાલે હવામાન વિભાગની આગાહીથી તદ્દન વિરુદ્ધ માહોલ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો હતો. વહેલી સવારથી જ ત્યાં વાદળછાયું વાતારણ જોવા મળ્યું હતું. તો ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.