હવે અમદાવાદમાં ગુનેગારો પોલીસની નજરથી સહેજ પણ બચી શકશે નહીં
મિહિર સોની, અમદાવાદ: ટેકનોલોજીના વધતા જતા વ્યાપ સાથે પોલીસ પણ હવે હાઇટેક થઇ રહી છે. ગુનેગારો પોલીસની નજરથી સહેજપણ બચી શકશે નહી. નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે શહેરના ખુણેખુણે AI (આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ) સીસ્ટમ હેઠળ કેમેરા લગાવ્યા છે. આ કેમેરા ગુનેગારો પર બાજ નજર રાખશે. આ સિવાય પણ પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અનેક પ્રોજેક્ટ અમલમાં મુક્યા છે.
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર નજર રાખશે
સ્માર્ટ પોલીસિંગ અને સલામતી વ્યવસ્થાપનમાં મદદ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્ભયા ફંડ હેઠળ 8 શહેરમાં સેફ સિટી પ્રોજેક્ટ્સને મંજુરી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ્સ અંતર્ગત મહીલાઓની સુરક્ષા માટે અલગ અલગ કાર્યો કરવામાં આવી રહ્યાં છે અને વધુ કેટલાક પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ હવે AI એટલે કે આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર નજર રાખશે. પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ 100 જેટલા સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે. જ્યાં ગંભીર પ્રકારના ગુનાઓ અવારનવાર બનતા હોય છે અને લોકોની અવર જવર પણ વધારે જોવા મળતી હોય છે. આ તમામ જગ્યાએ પોલીસે AI પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ કેમેરાની વિશેષતાની વાત કરીએ તો પોલીસને અનેક રીતે ઉપયોગી બની રહે છે.
શું છે આ AI પ્રોજેક્ટની વિશેષતા
- ભીડભાડ વાળી જગ્યાએ પોલીસને આ કેમેરા બની રહેશે ઉપયોગી
- ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને પલવારમાં આ કેમેરા ઓળખી દેશે
- એક સેકન્ડમાં 90 જેટલા ફોટો કેમેરામાં થાય છે કેપ્ચર
- 360 ડિગ્રીથી આ કેમેરા ચારેય તરફ નજર રાખી શકે છે
- બ્લર થઇ ગયેલ કે ન દેખાતી નંબર પ્લેટ એક જ ક્લીકમાં જોઇ શકાય છે
- અંધારા માં પણ કેમેરામાં કેદ થયેલ વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ કરી શકાય છે.
- ચોક્કસ વાહનને એક જ ક્લીકમાં કરી શકાય છે ટ્રેક
- પાર્કિગને અડચણરૂપ વાહનો પણ કેમેરામાં થઇ જાય છે ક્લીક
- 50 ફુટથી પણ વધારે દુર રહેલ વાહન કે વ્યક્તિને સ્પષ્ટપણે કેમેરાની મદદથી જોઇ શકાય છે.
હાલમાં પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં 737 કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પ્રાથમિક તબક્કે આ પ્રોજેક્ટની શરૂઆત પણ થઇ ગઇ છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે સોફ્ટવેરની મદદથી જો કોઇપણ વાહનની નંબરપ્લેટ જોઇ શકાતી ના હોય પરંતુ વાહન સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય તો એક જ ક્લીકથી તેનો રજીસ્ટ્રેશન નંબર જાણી શકાય છે. આ કેમેરા ટ્રાફિક પેટર્ન અને વિસંગતતાઓને પારખવા માટે વિડિયો ફૂટેજનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરી શકે છે. તેઓ આગાહી કરી શકે છે અને ટ્રાફિકની ભીડને રોકવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત જાહેર રોડ પર નો પાર્કિગ વાહનો, ટ્રાફિક સમસ્યા, આગની માહિતી તેમજ ચેઇન સ્નેચિગ, લૂંટ કે મારામારી જેવા ગુનાના સમયે AI કેમેરો પોલીસ કન્ટ્રોલ રૂમમાં એલર્ટ આપશે. જેથી પોલીસ સતર્ક થઈને કામગીરી કરી શકે.
અમદાવાદ પોલીસે અનેક જગ્યાએ પલ્બીક એડ્રેસીંગ સીસ્ટમ પણ લગાવી છે. જે સીસ્ટમ મારફતે જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ અધિકારી જો કોઇ મેસેજ લોકો સુધી પહોચાડવા માંગી રહ્યા છે તો તે મેસેજ મોકલી શકે છે. લાઉડ સ્પીકર મારફતે પોલીસ અધિકારી તેમનો સંદેશો લોકો સુધી પહોચાડી શકે છે. પોલીસના નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ પોલીસને તો અનેક મદદરૂપ થઇ રહ્યા છે, પરંતુ નાગરિકો માટે પણ ઘણા જ લાભદાયી છે. જેનાથી શહેરમાં ગુનાખોરી પણ ચોક્કસથી અંકુશ લાવી શકાશે અને ગંભીર ગુનાના આરોપીઓને પણ સરળતાથી પોલીસ ઝડપી શકશે.