January 3, 2025

તેમની પાસે એક જ મંત્ર છે; જ્યાં સત્તા મળે ત્યાં મલાઈ ખાઓ: PM મોદી

PM Modi Rally Maharashtra: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં જનસભાને સંબોધી હતી. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે તેમનો એક જ મંત્ર છે, જ્યાં પણ સત્તા મળે ત્યાં મલાઈ ખાઓ.

કોંગ્રેસના સાંસદો ભારતના ભાગલાની વાત કરે છે
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના સાંસદો ભારતના બીજા ભાગલાની વાત કરી રહ્યા છે. INDIA ગઠબંધનના લોકો દક્ષિણ ભારતને અલગ કરવાની ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે ડીએમકે, જે ઈન્ડિયા બ્લોકનો ભાગ છે, સનાતન ધર્મને ડેન્ગ્યુ-મેલેરિયા કહે છે અને તેને નાબૂદ કરવાની વાત કરે છે. બીજી બાજુ નકલી શિવસેનાના સભ્યો ડીએમકે પાર્ટીના જ લોકોને મહારાષ્ટ્રમાં રેલીઓ કરાવે છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે INDIA ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં હતું ત્યારે તેઓએ હંમેશા દેશને અસ્થિરતામાં ધકેલી દીધો અને મહારાષ્ટ્રની સતત ઉપેક્ષા કરવામાં આવી હતી.

કોંગ્રેસ સમસ્યાઓની માતા છે: પીએમ મોદી
જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે તમે કારેલાને ઘીમાં ફ્રાય કરો કે ખાંડમાં ઓગાળી લો, તો પણ તે કડવું ને કડવું જ રહે છે. આ કહેવત કોંગ્રેસને બરાબર લાગુ પડે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ક્યારેય નહીં બદલાય. વડાપ્રધાનના મતે લોકોની સમસ્યાઓ હલ કરવાની જવાબદારી રાજકીય પક્ષોની છે, પરંતુ કોંગ્રેસ પોતે જ સમસ્યાઓની માતા છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ઈરાદા સાચા હોય છે તો પરિણામ પણ સાચા હોય છે. આજે દેશના દલિતો, પછાત વર્ગો, આદિવાસીઓ અને ગરીબો મોદી સરકારને પોતાની સરકાર માને છે.