January 3, 2025

ઓલપાડના માસમા ગામેથી નકલી શેમ્પૂ અને ગુટખા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ

સુરતઃ જિલ્લામાંથી અવારનવાર બોગસ વસ્તુઓ પકડાતી હોય છે. શહેરમાંથી નકલી ચીજવસ્તુઓ પકડાવવાનો સિલસિલો યથાવત છે. નકલી ઘી, નકલી પનીર, નકલી દારૂ બાદ હવે નકલી શેમ્પૂ અને નકલી પાન-મસાલા તેમજ ગુટખા ઝડપાયા છે.

ઓલપાડના માસમા ગામેથી નકલી શેમ્પૂ અને ગુટખા બનાવવાનું નેટવર્ક ઝડપાયું છે. માસમા ગામે ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી વિસ્તારમાંથી ગોડાઉન ઝડપાયું છે. ઓલપાડ પોલીસને આ મામલે બાતમી મળી હતી અને તેને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં મોટી માત્રામાં જથ્થો પકડી પાડ્યો છે.

ઓલપાડ પોલીસે ઘટનાસ્થળેથી નકલી ગુટખા અને શેમ્પૂ બનાવવાના 3 મશીનો ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત ગુટખાનું 700 કિલો નકલી રો-મટીરીયલ અને રોલ જપ્ત કર્યા છે. આ સિવાય 1800 લીટર નકલી શેમ્પૂનું રો-મટીરીયલ અને 37 પેકેટ કબજે કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.