November 22, 2024

ગેહલોતના બે મોટા પ્રોજેક્ટ પર ઉઠ્યાં સવાલો, સુપરિન્ટેન્ડેન્ટના એક પત્રએ કર્યો મોટો ધડાકો…!

જયપુર : રાજસ્થાનમાં થોડા દિવસો પહેલા જ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત હાંસલ થઇ હતી, રાજસ્થાનમાં સરકાર ભાજપ હાલ ગેહલોત સરકારના અમુક નિર્ણયોથી રાજી ન હોય તેમ લાગી રહ્યું છે. ગત અશોક ગેહલોત સરકારના બે મોટા પ્રોજેક્ટ પર સવાલો ઉઠી રહ્યા છે અને આ મુદ્દાઓ પર ચર્ચાઓ શરુ થઇ ગઇ છે. આ બંને પ્રોજેક્ટ રાજસ્થાનની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સવાઈ માનસિંહ જયપુર સાથે જોડાયેલા છે, જેમાં ગેહલોત સરકારનો પહેલો પ્રોજેક્ટ 24 માળનો IPD ટાવર છે, જેની ઉપર એક હેલિપેડ પણ બનાવવામાં આવશે અને બીજો પ્રોજેક્ટ પણ આ જ હોસ્પિટલમાં કાર્ડિયો વિંગ બનાવવામાં આવી રહ્યો છે. આ બંને પ્રોજેક્ટ હાલમાં બની રહ્યો છે અને તેની કિંમત અંદાજે 600 કરોડ રૂપિયા છે. આ જ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. બી.પી. મીણાએ આરોગ્ય સચિવને પત્ર લખીને આ પ્રોજેક્ટ્સ બંધ કરવાની માંગ કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું  કે આ પ્રોજેક્ટ્સ નિયમો વિરુદ્ધ બનાવવામાં આવી રહ્યા છે. સરકારે તેમની સમીક્ષા કરી અટકાવવી જોઈએ.

ગેરરીતિઓના આક્ષેપો
જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં 24 માળના IPD ટાવર અને અશોક ગેહલોત સરકારના કાર્ડિયો વિંગ પ્રોજેક્ટ પર સવાલો ઉભા થયા છે. બંને પ્રોજેક્ટમાં ગેરરીતિના કારણે હોસ્પિટલના નિયામકને પત્ર લખીને પ્રોજેક્ટ બંધ કરવાની માંગણી કરી છે. SMS હોસ્પિટલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.બી.પી. મીનાનું કહેવું છે કે આઈપીડી ટાવર નિયમોની વિરુદ્ધ બનાવવામાં આવી રહ્યો છે. તેના બાંધકામમાં મોટી ગેરરીતિઓ આચરવામાં આવી છે. આઈપીડી ટાવર અને  SMS ઈમરજન્સી નજીક બનાવવામાં આવી રહેલી કાર્ડિયો વિંગમાં પણ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી અને આ બાંધકામ પૂર્ણ થાય તો ભવિષ્યમાં અનેક સમસ્યાઓ ઉભી પણ થશે. બીજી બાજુ ડૉ.મીનાએ જણાવ્યું હતું કે, અગાઉની ગેહલોત સરકાર વખતે લગભગ છ મહિના પહેલાં પત્ર લખ્યો હતો પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી.

ડૉ. મીનાએ આ કારણો ગણાવ્યા
ડૉ. મીનાના જણાવ્યા અનુસાર, સવાઈ માનસિંહ હોસ્પિટલના મર્યાદિત વિસ્તારમાં 116 મીટર જેટલો ઊંચો IPD ટાવર બનાવવામાં આવ્યો હતો જે બિલકુલ શક્ય જ નથી. હોસ્પિટલમાં પહેલેથી જ વેઇટિંગ એરિયા, પાર્કિંગ, ગ્રીન એરિયા નથી અને તેની જોગવાઈ પણ આ પ્રોજેક્ટમાં કરવામાં આવી નથી. ડૉ. મીના દલીલ કરે છે કે IPD ટાવર ડાબી બાજુના રોડ પર છે, જે ટોંક રોડ અને JLN ને જોડે છે. તે રોડની પહોળાઈ સાંકડી હોવાને કારણે હંમેશા ટ્રાફિક જામ રહે છે. IPD ટાવર ખુલ્યા બાદ અહીં સ્થિતિ વધુ વણસી જશે. વધુમાં આરોગ્ય સચિવને લખેલા પત્રમાં જણાવાયું હતું કે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ડૉક્ટરો, નર્સિંગ અને અન્ય સ્ટાફ માટે પાર્કિંગની પૂરતી જગ્યા નથી બીજી બાજુ ઇમરજન્સી નજીક બનાવવામાં આવી રહેલા કાર્ડિયો વિંગ અને IPD ટાવરમાં પાર્કિંગની પણ પૂરતી જગ્યા પણ આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, ભવિષ્ય માટે જંગી બજેટમાં બનાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટ્સ ઉપયોગી સાબિત નહીં થાય અને છેલ્લે પત્રમાં લખ્યું હતું કે પર્યાવરણ, ઈન્ફ્રા અને પ્લાનિંગના નિષ્ણાતોની એક કમિટી બનાવી તેની સમીક્ષા કરવી જોઈએ.