ચૈત્રી પૂનમને લઈને અનોખી માન્યતા, ગુજરાતનું આ આખું ગામ ખાલી થઈ જાય છે!
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાનું એગોલા એક એવું ગામ છે કે, જ્યાં ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાં દરેકના ઘરે તાળાં હોય છે. ગામના તમામ લોકો ધંધા-રોજગાર અને ઘરને તાળું મારી અને આ દિવસે ઘરની બહાર નીકળી જાય છે. વર્ષો જૂની માન્યતા પ્રમાણે એગોલા ગામ ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં બધા લોકો એકઠાં થાય છે. ત્યાં માતાજીનો નૈવેધ બનાવે છે અને માતાજીને ધરાવે છે. ત્યારે ગામની બહાર વસતા લોકો પણ આ દિવસે મહાકાળી માતાજીના મંદિરમાં આવે છે. માન્યતા પ્રમાણે, આવું કરવાથી ગામમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના એગોલા ગામમાં પ્રવેશીએ એટલે તમને ગામ આખું સુમસામ મળે છે. દરેકના ઘર પર તાળું મારેલું હોય છે. દરેક લોકો ધંધા-રોજગાર બંધ રાખી અને ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ગામના તમામ જ્ઞાતિના લોકો પરિવાર સાથે ભેગા થાય છે. માન્યતા એવી છે કે, વર્ષ 1965થી આ પ્રથા ચાલતી આવે છે. વર્ષો પહેલાં ગામમાં કોઈ એવા રોગે ભરડો લીધો હતો કે, ગામના માણસો આ રોગથી ટપોટપ મરતા હતા. ત્યારબાદ ગામના પંડિત અને વડીલોએ ભેગા થઈ અલગ જગ્યાએ વસાવ્યું હતું. પરંતુ આ રોગ મટવાનું નામ ન લેતો હતો અને લોકો ટપોટપ મરતા હતા.
ત્યારબાદ ગામના પૂજારી અને વડીલોએ ગામમાં ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં જઈ અને પ્રાર્થના કરી હતી, આરાધના કરી. ત્યારબાદ પૂજારીએ કહ્યું કે, આખું ગામ ચૈત્ર સુદ પૂનમના દિવસે એકઠું થઈ અને સારા મૂરતમાં ઘરની બહાર નીકળી જાય ધંધા-રોજગાર બંધ રાખે અને ગામની મંદિરમાં આવી હતી. મંદિરમાં નૈવેદ્ય બનાવીને માતાજીને ચડાવે તો આ રોગ મટે અને એવી માન્યતા પ્રમાણે 1965થી આ પ્રથા ચાલી આવે છે. એગોલા ગામના તમામ ગ્રામજનો પોતાના પરિવાર સાથે મહાકાળી માતાજીના મંદિરમાં જાય છે. ત્યાં ખીર અને સુખડીનો નૈવેદ્ય બનાવે છે. સવારે લોકો સારા મૂરતમાં એગોલા ગામથી બહાર નીકળી જાય છે અને સાંજે સારા મૂરતમાં પછી ગામમાં પ્રવેશે છે. આ દિવસે તમામ ધંધા રોજગાર નોકરી નાના મોટા વ્યવસાય પણ બંધ રાખી અને ગામની અંદરના અને ગામની બહાર રહેતા લોકો પણ માતાજીના મંદિરમાં એકઠા થાય છે. આ પ્રથા પ્રમાણે માન્યતા જાળવી રાખે છે અને ત્યારબાદ આ ગામમાં સુખશાંતિ જળવાઈ રહી છે અને રોગે દેખા દીધી નથી.
વર્ષો જૂની ચાલી આવતી માન્યતા પ્રમાણે એગોલા ગામના તમામ પરિવારો મહાકાળી માતાજીના મંદિરમાં એકઠાં થાય છે. ત્યાં મહિલાઓ સુખડી અને ખીરનો નૈવેદ્ય બનાવે છે. ત્યારબાદ માતાજીના નૈવેદ્ય ધરાવે છે. આમ કરવાથી ગામમાં સુખ શાંતિનો માહોલ જળવાઈ રહે છે. જ્યારે બાળકો પણ આખો દિવસ આખા ગામના બાળકો આનંદ અને કિલ્લોલ કરે છે. ત્યારે અનોખી પ્રથાને લઈને બનાસકાંઠાનું આ ગામ પણ ચર્ચાસ્પદ છે.