November 24, 2024

સુરત સિવિલના રેડિયોલોજી વિભાગમાં દર્દીઓને હાલાકી, દોઢ-બે કલાકનું વેઇટિંગ

surat civil hospital radiology department Patients suffering waiting for one and a half to two hours

અમિત રુપાપરા, સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે છે. ત્યારે આ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં જે દર્દીઓ સોનોગ્રાફી કરાવવા માટે આવે છે. તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના-નાના નવજાત બાળકો સાથે લોકોને દોઢથી બે કલાક જેટલો સમય વેઇટિંગમાં બેસી રહેવું પડે છે. જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા આ બાબતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે દર્દીઓ પણ પડતી હાલાકી બાબતે રજૂઆત કરી હતી. તો બીજી તરફ, ન્યૂઝ કેપિટલના અહેવાલને લઈને તાત્કાલિક જ RMO અને સુપ્રિટેન્ડેન્ટ રેડિયોલોજી વિભાગમાં પહોંચ્યા હતા અને તેમને આ બાબતે દર્દીઓને હાલાકી ન પડે તે માટે કામગીરી કરવાની બાંહેધરી આપી હતી.

સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં સોનોગ્રાફી કરાવવા માટે આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના નાના નવજાત બાળકો સાથે દર્દીઓને બેથી અઢી કલાક જેટલો સમય વેટિંગ કરવું પડી રહ્યું છે. આ ઉપરાંત ઈમરજન્સીમાં પણ દર્દીઓને અડધો એક કલાક સુધી વેટિંગમાં ઊભા રહેવું પડી રહ્યું છે.

નાના બાળકો સાથે આવતા દર્દીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ઉનાળાની ગરમી અને બીજી તરફ વેઇટિંગના કારણે નાના બાળકો પણ રડી રડીને સૂઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા રેડિયોલોજી વિભાગમાં દર્દીઓ સાથે વાતચીત કરવામાં આવી અને દર્દીઓએ પણ પડતી બાબતે રજૂઆતો કરી હતી. બીજી તરફ ન્યૂઝ કેપિટલની ટીમના અહેવાલ બાદ તાત્કાલિક જ નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ અને સુપ્રિન્ટેન્ડન્ટ રેડિયોલોજી વિભાગમાં પહોંચ્યા હતા અને તેમને પણ દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે માહિતી મેળવી હતી.

નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ બાબતે રેડિયોલોજી વિભાગના ડિપાર્ટમેન્ટ હેડ સાથે વાતચીત કરવામાં આવશે અને જે પણ સ્ટાફ રેડિયોલોજી વિભાગમાં કામ કરી રહ્યો છે તેને રોટેશન મુજબ કામ કરવાનો આદેશ આપવામાં આવશે. જેથી કરીને દર્દીઓને કોઈપણ પ્રકારની હલાકી ન પડે અને જરૂર પડશે તો સ્ટાફમાં પણ વધારો કરવામાં આવશે.