November 25, 2024

વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનમાં બેઠા PM મોદી, 45 કલાક સુધી નહીં લે ભોજન

Narendra Modi in Kanyakumari: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે તમિલનાડુ પહોંચ્યા હતા. તમિલનાડુમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તેમનું ધ્યાન શરૂ થયું છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી સાંજે 6.45 કલાકે મેડિટેશનમાં બેઠા હતા. હવે તે 45 કલાક ધ્યાન અવસ્થામાં રહેશે. આ પહેલા પીએમ મોદી ભગવતી અમ્માન મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા કરી હતી.

પીએમ મોદી મૌન રહેશે, માત્ર લિક્વિડ ડાયટ લેશે
PM મોદીનું ધ્યાન સાંજે 6:45 વાગ્યે શરૂ થયું છે. હવે 45 કલાક ધ્યાન કરશે. આ 45 કલાક માટે તેમનો આહાર ફક્ત નારિયેળ પાણી, દ્રાક્ષનો રસ અને અન્ય પ્રવાહી હશે. તે ધ્યાન ખંડમાંથી બહાર આવશે નહીં અને મૌન રહેશે.

નોંધનીય છે કે, જ્યારે પીએમ મોદી ગુરુવારે તમિલનાડુ પહોંચ્યા ત્યારે તેમણે સૌથી પહેલા અહીંની નજીક સ્થિત ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કરી હતી. અહીંથી તેઓ વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા અને હવે તેઓ અહીં લગભગ બે દિવસ ધ્યાન બેઠા. 1 જૂનના રોજ રવાના થતા પહેલા પીએમ મોદી અહીં સંત તિરુવલ્લુવરની પ્રતિમાની મુલાકાત પણ લઈ શકે છે. સ્મારક અને પ્રતિમા બંને નાના ટાપુઓ પર બાંધવામાં આવ્યા છે, જે સમુદ્રમાં અલગ છે, અને ખડકો જેવા ટેકરાની રચના છે.

સમુદ્રની વચ્ચે સ્થિત સ્મારક પર પીએમ મોદીના 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપના નેતાઓએ કહ્યું હતું કે આજે લોકસભા ચૂંટણી પ્રચારની સમાપ્તિ પછી, પીએમ મોદી સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા રોક સ્મારક પર ધ્યાન કરશે. PMએ 2019ની ચૂંટણી પ્રચાર પછી કેદારનાથ ગુફામાં આવો જ રોકાણ કર્યો હતો.

પીએમ મોદી 1 જૂનની સાંજ સુધી ધ્યાન કરશે
પીએમ મોદી ગુરુવાર સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમમાં ધ્યાન કરશે, જ્યાં વિવેકાનંદને ‘ભારત માતા’ વિશે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોવાનું માનવામાં આવે છે. પીએમ મોદીની મુલાકાત પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તેમના રોકાણ દરમિયાન સુરક્ષા માટે 2000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ પણ ચુસ્ત તકેદારી રાખવામાં આવ્યા છે.