November 26, 2024

Suratના રત્નકલાકાર હનીટ્રેપમાં ફસાયા, પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો

Surat: સુરતના રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી લાખો રૂપિયા પડાવવા મામલે સુરતની કાપોદ્રા પોલીસને વધુ એક આરોપીને પકડવામાં સફળતા મળી છે. ઓક્ટોબર 2023માં રત્નકલાકાર હનીટ્રેપનો શિકાર બન્યો હતો અને તે સમયે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ત્રણ ઈસમો સામે ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારે અગાઉ આ કેસમાં પોલીસે યોગેશ મૂંઝવાની ધરપકડ કરી હતી. ત્યારે ભાવનગરથી અક્ષય ઠાકોર નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ઓક્ટોબર 2023માં એક રત્નકલાકાર દ્વારા ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ત્રણેય ઈસમોએ સાથે મળીને રત્નકલાકારને બંધક બનાવી લીધો હતો. ત્યારબાદ તેને એક રૂમમાં લઈ જાય તેના કપડા ઉતારી મોબાઇલમાં વીડિયો બનાવી આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 6,97,501 રૂપિયા પડાવી લીધા હતા.

રત્નકલાકાર દ્વારા આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કલ્પેશ ખાખડીયા, અક્ષય ઠાકોર અને યોગેશ મુંજવા સામે ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારે કાપોદ્રા પોલીસ દ્વારા અગાઉ આ કેસમાં યોગેશ મુંજવાની ધરપકડ કરી છે અને હાલ આ યોગેશ જેલમાં બંધ છે. તો બીજી તરફ કાપોદ્રા પોલીસની એક ટીમને બાતમી મળી હતી કે રત્નકલાકારની પાસેથી પૈસા પડાવનાર અક્ષય ઠાકોર નામનો ઈસમ ભાવનગરમાં છે. તેથી કાપોદ્રા પોલીસની એક ટીમ ભાવનગર રવાના થઈ હતી અને ભાવનગરમાંથી અક્ષય ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી. અક્ષય ઠાકોર સુરતના ધરમનગર વિસ્તારમાં રહે છે અને તે પણ રત્નકલાકારનું કામ કરે છે

મહત્વની વાત છે કે ઓક્ટોબર 2023 માં કલ્પેશ ખાખડીયા, અક્ષય ઠાકોર અને યોગેશ મુંજવા નામના ઇસમે ધરમનગર રોડ પર તાપીના કિનારા પાસે આવેલા એક મકાનમાં આ રત્નકલાકારને ગોંધી રાખ્યો હતો અને ત્યારબાદ તેના કપડા ઉતારી તેના બીભત્સ ફોટા અને વીડિયો મોબાઇલમાં ઉતારી આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રત્નકલાકાર પાસેથી પૈસા પડાવ્યા હતા.