November 22, 2024

‘બનાસની બેન’ સાથે EXCLUSIVE વાતચીત, કહ્યું – મામેરાનું વળતર આપીશ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ 18મી લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો 26માંથી 25 બેઠક ભાજપે જીતી લીધી છે અને એક બેઠક કોંગ્રેસે જીતી છે. જેમાં બનાસકાંઠાની બેઠક પરથી ગેનીબેન ઠાકોર જીત્યાં છે. તેમણે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 30 હજારથી વધુ મતના માર્જિનથી હરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 10 વર્ષે ગુજરાતમાં કોંગ્રેસે ફરી કમબેક કર્યું છે.

ત્યારે હાલ વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય અને સાંસદની ચૂંટણી જીતેલા ગેનીબેન ઠાકોરે ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ‘ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મની સંસ્કૃતિ રહી છે કે કોઈ બહેન-દીકરી હોય… એ જ્યારે સંકટ સમયમાં નાની-મોટી માગણી કરે ત્યારે, આ માનવતાનો દાખલો બનાસકાંઠાની જનતાએ પૂરો પાડ્યો છે. મેં મતનું મામેરું માગ્યુ અને બનાસકાંઠાએ મામેરું ભર્યું. એક બહેન-દીકરી તરીકે મારી જે જવાબદારી છે અને જે મામેરું ભર્યું છે તેનું પૂરેપૂરું વળતર આપીશ.’

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં 76 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘અનેક પ્રકારના ચડાવઉતાર આવ્યા હતા. આ રાજકારણનો ભાગ છે. આ તમામ પડકારો પાર કરી બનાસકાંઠાની પ્રજાએ વિજયી બનાવ્યા છે. દાંતીવાડા, ધાનેરા, પાલનપુરના સિંચાઈના પ્રશ્નો, કાયદા-વ્યવસ્થાની વાત હોય કે પછી પાલિકા-નગરપાલિકાના કથળેલા એકહથ્થુ વહીવટને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને જે તકલીફ પડે છે, તેમને સવલતો નથી મળતી. ત્યારે અમારો અવાજ કેન્દ્ર સુધી હવે ગૂંજશે. કેન્દ્રમાંથી આવતું ફંડિગ ન્યાયના ધોરણે વહેંચણી થાય તેવો અમારો પ્રયત્ન રહેશે.’

છેલ્લા 28 વર્ષથી સતત રાજકારણમાં સક્રિય રહેલા ગેનીબેન ઠાકોરે આ ચૂંટણી કુનેહપૂર્વક લડી જે રણનીતિ બનાવી અને સફળ થઈ હતી. તેમણે મોટેભાગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, બનાસ ડેરી, બનાસ બેંક અને પોલીસ દ્વારા થતી લોકોને હેરાનગતિનો ચૂંટણી પ્રચાર દરમિયાન ઉલ્લેખ કર્યો હતો અને તેનું પરિણામ એ છે કે, આગામી સમયમાં બનાસકાંઠામાં ભાઈચારો રહે, શાંતિ જળવાઈ રહે, લોકોના કામ થાય, ગ્રાન્ટ આવે છે તેનો સદુપયોગ થાય અને બનાસકાંઠાને વિકાસની દિશામાં લઈ જવાનું ગેનીબેન ઠાકોરનું વિઝન છે.