November 22, 2024

હાથ વગર જન્મેલી આ મહિલા પગથી પ્લેન ઉડાડે છે, માર્શલ આર્ટ્સમાં પણ બ્લેક બેલ્ટ

અમદાવાદઃ કુદરતે અમુક લોકો પાસેથી ઘણું બધું છીનવી લીધું હોય કે ન આપ્યું હોય, તેમાંથી ઘણાં લોકો સંજોગો સામે ઝૂકવાને બદલે તેને પડકાર તરીકે લે છે અને કેટલીકવાર અનોખા દાખલા બેસાડતા હોય છે. ફેમસ થવાની લાલસાથી ભરેલા વાયરલ વીડિયોની ભીડમાં સોશિયલ મીડિયા પર આવા લોકોના વીડિયો એક અલગ જ આરામ આપે છે. જેસિકા કોક્સનો વીડિયો પણ આવો જ છે. બાળપણથી જ હાથ વગર જન્મેલી જેસિકા વિશ્વની પ્રથમ હેન્ડલેસ પાયલોટ છે.

પાયલોટ હોવા ઉપરાંત તેઓ માર્શલ આર્ટ બ્લેક બેલ્ટ મેળવનાર પ્રથમ હાથ વગરની વ્યક્તિ પણ છે. 2 ફેબ્રુઆરી, 1983ના રોજ અમેરિકાના એરિઝોનામાં જન્મેલી જેસિકા દુનિયા માટે અજાણી નથી. તેમજ તેમણે તાજેતરમાં આ સિદ્ધિઓ હાંસલ કરી નથી. 41 વર્ષીય જેસિકાએ 2004માં પ્રથમ વખત વિમાન ઉડાડ્યું હતું અને ત્રણ વર્ષમાં તેણે પાઈલોટનું લાઇસન્સ મેળવી લીધું હતું.


હાલમાં જ તેમનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેના જીવનની કેટલીક ક્ષણો બતાવવામાં આવી છે. તેઓ કેવી રીતે એરોપ્લેન ઉડાડે છે. તેમની આંખોમાં કોન્ટેક્ટ લેન્સ કેવી રીતે મૂકે છે. તે માર્શલ આર્ટની ટ્રિક્સ બતાવે છે, ઘોડેસવારી કરે છે, આ બધું વીડિયોમાં જણાવવામાં આવ્યું છે. વીડિયોમાં તે જણાવે છે કે, લોકોએ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા છે કે તે લાઇસન્સ પ્રાપ્ત પાયલોટ છે.

જેસિકા કહે છે કે, તે બધું જ કરી શકે છે, જે સામાન્ય રીતે માણસો કરે છે. 14 વર્ષની ઉંમરે તેમણે કૃત્રિમ હાથનો ઉપયોગ કરવાનું છોડી દીધું હતું. આજે તે તેના તમામ કામ કરે છે. તે ફક્ત તેના પગથી જ વિમાનને નિયંત્રિત કરે છે. તે કહે છે કે, જ્યારે લોકોને ખબર પડે કે તેમને હાથ નથી, તો લોકો તેમની મુશ્કેલીઓ વિશે વિચારવાનું ચાલુ કરી દે છે.