December 3, 2024
ગાંધી-નહેરુ પરિવાર પર કેવા આરોપો ?
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

Expert Opinion: BJPના નેતાઓ દાવો કરી રહ્યા છે કે, આ કેસની વિગતો બહાર આવવાથી દેશનો પ્રતિષ્ઠિત રાજકીય પરિવાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ગાંધી-નહેરુ પરિવાર પર ભ્રષ્ટાચારના અનેક કેસીસ મૂકવામાં આવ્યા છે. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગના કેસમાં ED સોનિયા અને રાહુલ સામે પણ તપાસ કરી રહી છે. તેમનાં સ્ટેટમેન્ટ્સ પણ રેકોર્ડ કરવામાં આવ્યાં છે. અમે તમને આ કેસની થોડીક વિગતો આપીશું. નેશનલ હેરાલ્ડ એક ન્યૂઝપેપર હતું. જેને ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ લોન્ચ કર્યું હતું. આ અખબારના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ છે. નહેરુ સિવાય આઝાદી માટે લડનારા પાંચ હજાર લોકોનો પણ એમાં હિસ્સો હતો. 90 કરોડ રૂપિયાના દેવા સાથે ‘ધ નૅશનલ હેરાલ્ડ’ને 2008માં બંધ કરાયું. એ પછી આ અખબારની માલિકીની સંપત્તિઓને કબજે કરવા માટે કાવતરું ઘડાયું. EDએ મૂકેલા આરોપ મુજબ કોંગ્રેસે નવેમ્બર 2010માં યંગ ઇન્ડિયન સંસ્થા સ્થાપી. જેમાં રાહુલ અને સોનિયા ગાંધીનો 76 ટકા હિસ્સો છે. ગાંધી પરિવારે યંગ ઇન્ડિયન લિમિટેડ મારફતે ખોટી રીતે એસોસિએટ્સ જર્નલ્સ લિમિટેડને ટેકઓવર કર્યું હોવાનો આરોપ છે. દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસની 2000 કરોડની બિલ્ડિંગ પર કબજો કરવાની કોશિશનો આરોપ છે. યંગ ઇન્ડિયન લિમિટેડને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની પ્રોપર્ટીનો અધિકાર આપી દેવાયો.

આઝાદ ભારતમાં સૌથી પહેલો નોંધપાત્ર કરપ્શનનો કેસ 1948ના જીપ કૌભાંડનો હતો. બ્રિટન ખાતેના એ સમયના ભારતના હાઈ કમિશનર વીકે ક્રિષ્ના મેનને એક એગ્રીમેન્ટ કર્યો. એક વિદેશી કંપની પાસેથી આર્મી માટે 80 લાખ રૂપિયાની જીપ્સ ખરીદવા માટે આ એગ્રીમેન્ટ હતો. એડ્વાન્સમાં જ મોટા ભાગના રૂપિયા આપવામાં આવ્યા હતા. આર્મીને 155 જીપ મળી હતી. જોકે, એક પણ જીપ કામમાં લઈ શકાય એમ નહોતી. જેના કારણે સંરક્ષણ મંત્રાલયે એનો ઉપયોગ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

હવે, બીજા એક સ્કેમની વાત. કોલકાતાના ઉદ્યોગપતિ હરિદાસ મૂંદડાએ ગોટાળો કર્યો હતો. એ સમયના PM નહેરુ પણ એના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. 1957માં મૂંદડાએ LICના અધિકારીઓની સાથે મળીને આ કૌભાંડ કર્યું. LICએ મૂંદડાની છ કંપનીઓમાં 12 કરોડ 40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. LICની રોકાણ સમિતિની ઉપેક્ષા કરીને રાજકીય દબાણના કારણે આ રોકાણ થયું હોવાનો આરોપ છે. જેનાથી LICને ખૂબ નુકસાન થયું હતું. નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીએ જ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. નહેરુએ પોતાના નાણામંત્રી ટીટી કૃષ્ણામાચારીને બચાવવાની કોશિશ પણ કરી હતી. જોકે, આખરે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

હવે, નહેરુ-ગાંધી પરિવારના બીજા એક સભ્યની વાત. વાત ઇન્દિરા ગાંધીની છે. ભૂતપૂર્વ PM ઇન્દિરાનું નામ મારુતિ ગોટાળામાં આવ્યું હતું. 1973માં સોનિયા ગાંધીને મારુતિ ટેક્નિકલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના MD બનાવાયા હતા. જોકે, સોનિયાની પાસે એના માટે જરૂરી ટેક્નિકલ યોગ્યતા નહોતી. આ કંપનીને એના બદલામાં ઇન્દિરા ગાંધીની સરકાર તરફથી ટેક્સ, ફંડ અને જમીનની ખરીદીમાં અનેક રાહતો આપવામાં આવી હોવાનો આરોપ છે. આ કંપની માર્કેટમાં લાવી શકાય એવી એક પણ કાર નહોતી બનાવી શકી. 1977માં આ કંપનીને બંધ કરી દેવામાં આવી હતી.

1980 અને 1990ના દશકમાં ગાંધી પરિવાર અને ખાસ કરીને એ સમયના PM રાજીવ ગાંધીની ઇમેજને નુકસાન થયું હતું. સ્વીડનની તોપ બનાવતી કંપની બોફોર્સે એ સમયે ભારતમાં સત્તામાં રહેલા લોકોને લાંચ આપી હોવાનો આરોપ હતો. આ કંપનીએ રાજીવ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓને 64 કરોડ રૂપિયાની લાંચ આપી હોવાનો આરોપ છે. ભારતીય સેના માટેની તોપની ખરીદી કરવા માટે આ લાંચ આપવામાં આવી હતી. બાદમાં ઇટાલીના બિઝનેસમેન અને ગાંધી પરિવારના નિકટના સભ્ય ઓતાવિયો ક્વોટ્રોચીના કારણે આ કેસમાં સોનિયા ગાંધી વિરુદ્ધ પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.

2012માં સોનિયા ગાંધી અને તેમના જમાઈ રોબર્ટ વાડ્રા પર ગંભીર આરોપ મુકાયો હતો. તેમના પર રિયલ એસ્ટેટ કંપની DLF પાસેથી 65 કરોડની વ્યાજમુક્ત લોન મેળવવાનો આરોપ મુકાયો. મૂળ ઇરાદો આ રૂપિયાના બદલામાં આ કંપનીને ફાયદો કરાવવાનો હતો. આવો આરોપ મૂકવામાં આવ્યો હતો. એમ પણ કહેવામાં આવ્યું હતું કે, એ સમયગાળામાં રોબર્ટ વાડ્રાએ દેશના અનેક ભાગમાં સસ્તા ભાવે જમીનો ખરીદી હતી.

UPAના શાસનના દસ વર્ષમાં અનેક કૌભાંડો થયા હતા. BJPએ આવો આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં સંસદથી લઈને સડક સુધી એની વિરુદ્ધ કેમ્પેઇન પણ ચલાવ્યું હતું. BJP એવો પણ આરોપ મૂકતી રહી કે, PM મનમોહન સિંહ સરકારનું રિમોટ સોનિયા અને રાહુલ ગાંધીના હાથમાં હતું. એટલે ગાંધી માતા-પુત્રને પણ BJP નિશાન બનાવતી રહી હતી. BJPએ એવો પણ આરોપ મૂક્યો છે કે, ગાંધી-નહેરુ પરિવારના સભ્યોના કૌભાંડના કારણે દેશને 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ભ્રષ્ટાચાર અનેક સમસ્યાઓનું મૂળ છે. એના કારણે આર્થિક અસમાનતા પણ વધે છે. જનતાની પરસેવાની ટેક્સની કમાણીને લૂટનારાઓની વિરુદ્ધ આકરા પગલાં લેવાવા જોઈએ.