November 22, 2024

24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, વિસાવદર-ગાંધીધામમાં 4 ઇંચ

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં અને કચ્છના ગાંધીધામમાં પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં અને કચ્છના ગાંધીધામમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે બનાસકાંઠાના દાંતા અને પાટણ સરસ્વતી તાલુકામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ખેડા, જામજોધપુર, ઢોલવન ,દિયોદર અને સિદ્ધપુરમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની 7 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડ, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, આણંદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ક્યારે ક્યાં વરસાદ પડશે?
26 જૂને આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27મી જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 28મી જૂને ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.