November 24, 2024

ભુજના પસ્તી ગ્રુપની અનોખી પહેલ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કર્યું શૈક્ષણિક કીટનું વિતરણ

નીતિન ગરવા, ભુજ: આજરોજ ભુજના ટાઉનહોલ ખાતે પસ્તી ગ્રુપ દ્વારા શાળાઓના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના વિવિધ મહાનુભવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી.

ભુજમાં આવેલા અનરાધાર વરસાદથી સર્જાયેલી તારાજીથી શહેરનાં બધાજ વિસ્તારોમાં પાણી ભરાયાં હતા, જેથી ઘરનો સામાન, પુસ્તકો અને નોટબુકોને પલળી જવાથી નુકસાન થયું હતું અને ખાસ તો વિદ્યાર્થીઓનાં પુસ્તકો, નોટબુકોનું નાશ થયું હતું, અતિવૃષ્ટિનાં ભોગ બનેલા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા પુસ્તકો, નોટબુકોનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ભુજ શહેરનાં રહીશોને અપીલ કરવામાં આવી હતી કે ઘરમાં એકઠી થયેલી પસ્તી (રદી) ને પસ્તી ગ્રુપના વિવિધ સેન્ટરોમાં દાન કરવામાં આવે એકત્ર થયેલ પસ્તીનું વેંચાણ કરી જે ફંડ એકત્ર થશે તેનાથી વિદ્યાર્થીઓ માટે નોટબુક, પુસ્તકોની ખરીદી કરી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓનું વિતરણ કરવામાં આવે છે.

વર્ષ 2011થી અત્યાર સુધીમાં આશરે 16,000 જરૂરીયતમંદ વિદ્યાર્થીઓને લાભ મળ્યું છે. દર શૈક્ષણીક વર્ષે ભુજની શાળાઓમાંથી જરૂરતમંદ વિદ્યાર્થીઓનું લીસ્ટ આયાર્ય પાસેથી લઇ લીસ્ટ મુજબ દરેક ધોરણ પ્રમાણે શૈક્ષણિક કીટ બનાવવી શૈક્ષણીક સત્ર શરૂ થતાં પહેલાં જ વિદ્યાર્થીઓને શૈક્ષણીક કીટનું મફત વિતરણ કરવામાં આવે છે.

ભુજ પસ્તી ગ્રુપના નવ યુવાનોમાં રકતદાન અંગેની જાગૃતી લાવવા માટે વિવિધ કોલેજોમાં જઈ પ્રયાસ કરવામાં આવે છે. સમાજને નવા રકતદાતાઓ મળી રહે તે માટે પ્રવૃત્તિ કરવામાં આવે છે. એક વર્ષમાં ઓછામાં ઓછી બે વખત રકતદાન શીબીરનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ્લ ૨૩ રકતદાન શીબીરોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે અને આશરે ૧,૬૦૦ રકતદાતાઓએ રકતદાન કરી સેવાનો લાભ લીધેલ છે.