કુંવરજી બાવળિયાને CM બનાવવા માંગ સાથે PM મોદીને લખાયો પત્ર
મલ્હાર વોરા, ગાંધીનગર: ચોમાસાની સીઝનમાં ગુજરાતના રાજકારણ માં ફરી વખત ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભુપત ડાભી સહિતના કોળી સમાજના આગેવાનોએ વડાપ્રધાનને પત્ર લખીને કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે. વડાપ્રધાન લખેલ પત્ર સોશયલ મીડિયા પર વાયરલ થતા ફરી વખત ગુજરાતમાં રાજકીય વાતાવરણ ગરમાયુ છે.
હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પરતું રાજકારણમાં ગરમીનો માહોલ વધ્યો છે. સૌરાષ્ટ્રના જસદણ વીંછીયા ખાતે થી કેટલાક કોળી સમાજના અગ્રણીઓ દેશના વડાપ્રધાનને પત્ર લખીને કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી બનાવવાની માગ કરી છે. એક બાજુ, જ્યાં હજુ ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યાં ગુજરાતમાં ઉપ મુખ્યમંત્રી અથવા મુખ્યમંત્રી બનવા માટેના નામ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ગુજરાતમાં નવા મુખ્યમંત્રી કોને બનાવવા તેનો પણ ગણગણાટ શરૂ થયો છે. જેમાં, કુંવરજી બાવળિયાના સમર્થકોએ તો વડાપ્રધાનને પત્ર લખીને રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી અથવા તો નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ કરી છે.
આ સમગ્ર મામલે રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપી છે કે આ વાત પાયા વિહોણી છે. મારા કોઈ હિતેચ્છુએ આ પ્રકારની વાતો ફેલાવી છે. આ વાતમાં કોઈ તથ્ય નથી. મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી બનવા માટે પાર્ટી હાઇકમાન્ડ નામ નક્કી કરે છે. કોઈ સમાજ કે અન્યના કહેવાથી રાજ્યના મુખ્યમંત્રી બનાતું નથી. આ લોકોની લાગણી છે. પરતું આ વાતમાં કોઈ દમ નથી, પાર્ટી મને જે જવાબદારી આપી છે તે જવાબદારી હું નિભાવી રહ્યો છું. જો કે કુંવરજી બાવળિયાએ તો આ મુદ્દે પ્રતિક્રિયા તો આપી દીધી પરતું આવનારા દિવસોમાં હવે ભાજપનું રાજકારણ કેવું ગરમાય છે તે જોવા નું રહેશે.