કઠુઆ આતંકી હુમલો: હવે પંજાબથી ઘૂસણખોરી કરી જમ્મુ જઈ રહ્યા છે આતંકીઓ
Kathua Attack Raw: કઠુઆમાં થયેલ આતંકી હુમલાના તાર હવે પંજાબ સાથે જોડાઈ રહ્યા છે. તાજેતરમાં પઠાણકોટ, ગુરદાસપુર સહિત આસપાસના સરહદી વિસ્તારોમાં શંકાસ્પદ લોકો જોવા મળ્યા હતા. શંકાસ્પદ ગતિવિધિઓને લઈને પંજાબની અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને એલર્ટ પણ કરવામાં આવી છે. આ પહેલા એજન્સીઓ કોઈ એક્શન લઈ શકે, આતંકીઓએ 8 જુલાઇના રોજ સેનાની પેટ્રોલિંગ કરી રહેલી ટીમ પર હુમલો કરી દીધો. જેમાં 5 જવાનો શહીદ થયા હતા.
પાકિસ્તાનથી પંજાબના રસ્તે આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં પંજાબ સરહદે ઘૂસણખોરી કરતા 21 પાકિસ્તાની ઝડપાયા છે, જેઓ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કઠુઆમાં સેના પર થયેલ હુમલાના તાર કોઈને કોઈ રીતે પંજાબ સાથે જોડાઈ રહ્યા છે. કારણ કે અત્યાર સુધી પંજાબમાં છેલ્લા કેટલાંક દિવસોમાં જોવા મળેલ ઘૂસણખોરોને લઈને હજુ સુધી કોઈ સુરાગ નથી મળ્યો.
ઇનપુટ્સ શેર કરવામાં આવ્યા
ગુરુવારે કઠુઆમાં જમ્મુ-કાશ્મીર અને પંજાબના DGP ઉપરાંત BSF અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ વચ્ચે થયેલ ઇન્ટરસ્ટેટ કો-ઓર્ડિનેશન મિટિંગમાં આ વાતોને લઈને એક બીજા સાથે ઇનપુટ્સ શેર કરવામાં આવ્યા હતા. ડીજીપી ગૌરવ કુમાર યાદવે કો-ઓર્ડિનેશન બેઠકમાં આ અંગે જણાવ્યું કે જમ્મુ કાશ્મીર અને પંજાબનો એક મોટો વિસ્તાર પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલો છે. એવામાં આ બેઠકમાં બંને રાજ્યોમાં આતંકી ગતિવિધિઓ અને તેમના મોડ્યુલ પર નિયંત્રણ કરવા માટે ઈનપુટ શેર કરવામાં આવ્યા, તો સાથે સાથે બંને રાજ્યોની પોલીસ ફોર્સ વચ્ચે સંકલન વધારવાને લઈને પ્લાનિંગ કરવામાં આવ્યું. બેઠકમાં પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવ, જમ્મુ કાશ્મીરના ડીજીપી આર. આર. સ્વૈન અને બીએસએફના વેસ્ટર્ન કમાન્ડના વિશેષ મહાનિર્દેશક વાય. વી. ખુરાનિયા સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા.
READ MORE: કઠુઆમાં જમ્મુ-કાશ્મીર અને પંજાબના DGPની બેઠક, સર્જીકલ ઓપરેશન માટે જંગલમાં ઘૂસ્યા પેરા કમાન્ડો
બંને રાજ્યો આંતરિક સુરક્ષા મજબૂત કરવામાં આવશે
પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે કો-ઓર્ડિનેશન બેઠકમાં બંને રાજ્યોની આંતરિક સુરક્ષાને મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને, પંજાબના સરહદી વિસ્તારો અને આંતરરાજ્ય સરહદોને અડીને આવેલા જિલ્લાઓમાં સતર્કતા વધારવામાં આવશે. આ બેઠકમાં એ વાત સામે આવી છે કે પાકિસ્તાની આતંકવાદીઓ પંજાબમાંથી ઘૂસણખોરી કરીને જમ્મુ-કાશ્મીર અને અન્ય રાજ્યોમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે.
અમરનાથ યાત્રાને લઈને પણ થઈ ચર્ચા
બેઠકમાં અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અમરનાથ યાત્રામાં દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ આવે છે, તેથી અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે એક યોજના તૈયાર કરવામાં આવી હતી. બેઠકમાં હાજર અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ હવે તેમની ગેંગ અને હેન્ડલર સાથે વાત કરવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, આવી સ્થિતિમાં BSF, NIA અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવાની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.