November 21, 2024

ચૌસિંગાના શિકાર બદલ 5 આરોપીઓની ધરપકડ, ડાંગ વનવિભાગની કાર્યવાહી

ડાંગઃ વાંસદા નેશનલ પાર્કમાં કેટલાક ઈસમોએ ચૌસિંગાનો શિકાર કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે ડાંગ દક્ષિણ વિભાગ દ્વારા પાંચ લોકોને ઝડપી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ડાંગ દક્ષિણ વિભાગના વનકર્મીઓને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ચૌસિંગના શિકારની માહિતી મળી હતી. ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ડાંગ વન વિભાગ હેઠળના વાંસદા નેશનલ પાર્કના સંવર્ધન કેન્દ્રનો દરવાજો તોડીને કેટલાક લોકોએ ગત 5 ઓગસ્ટના રોજ ચૌસિંગનો શિકાર કર્યો છે. આ માહિતી તેઓ દ્વારા તેમના ઉપરી અધિકારીને આપવામાં આવી હતી. જે માહિતી લઈને અધિકારીઓએ આ કેસની તપાસ કરી હતી. જેમાં ખબર પડી કે બ્રિડિંગ સેન્ટરનો દરવાજો તોડીને શિડ્યુલ 1 પ્રાણીની હત્યા કરવામાં આવી છે.

આ ગુનામાં વનવિભાગ દ્વારા ગઈકાલે ડાંગના પાંચ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વનવિભાગે ફોરેસ્ટ એક્ટ 1972 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ચૌસિંગાની હત્યાના આરોપીઓને વાંસદા કોર્ટમાં તપાસ માટે વાંસદા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.