November 24, 2024

ગુજરાતમાં મેઘમહેર: સિઝનનો સરેરાશ 105% વરસાદ, કચ્છમાં સૌથી વધુ વરસાદ

Gujarat Monsoon: રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આંકડા જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં ચાલુ સિઝનમાં સરેરાશ 105.83 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં, કચ્છ રીઝયનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તો, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.

કયા પડ્યો કેટલો વરસાદ?
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, રાજ્યના કચ્છ રીઝયનમાં 126.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 84.72 ટકા, પુર્વ મધ્ય રીઝયનમાં 102.65 ટકા, સૌરાષ્ટ્ર રીઝયનમાં 116.32 ટકા અને દક્ષીણ ગુજરાતમાં 109.20 ટકા વરસાદ વરસ્યો છે.

102 ડેમ 100 ટકા ભરાયા
વધુમાં, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના જળાશયો અને ડેમોમાં જળસ્તરની સ્થિતિને લઈને પણ માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમા 102 ડેમ 100 ટકા ભરાયા છે. તો, રાજ્યના 118 ડેમ હાઈએલર્ટ પર આવી ગયા છે. તો, 18 ડેમમાં હજી પણ 25 ટકાથી ઓછુ પાણી છે. વધુમાં જણાવવામાં આવી રહ્યું છે કે, નર્મદા સરદાર સરોવર ડેમ 85.23 ટકા ભરાયો છે. તો, મહેસાણાનો ધરોઈ ડેમ 48.11 ટકા ભરાયો છે. બનાસકાંઠાનો સિપુ ડેમ 11.13 ટકા, બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ 26.79 ટકા અને સાબરકાંઠાનો હાથમતી ડેમ 29.11 ટકા ભરાયો છે.

28 હજાર લોકોનું કરાયું સ્થળાંતર 
વધુમાં રાજ્યમાં ચાલુ સિઝનમાં પૂરની સ્થિતિને કારણે 28 હજારથી વધુ લોકોનું સ્થળાતંર કરવામાં આવ્યું છે. જેમાં, પુરગ્રસ્ત વડોદરામાં 3249 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે, દ્વારકામાં 304 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે, ખેડામાં 1210 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં NDRFની 15 ટીમ, SDRFની 25 ટીમ, આર્મીની 7 ટીમ બચાવ કામગીરી કરી રહી છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં કુલ 1856 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 1 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા આપી સુચના

આ પણ વાંચો: રાજયભરમાં મેઘમહેર: શેત્રુંજી, ભાદર સહિત ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં

રાજ્યના 885 રસ્તાઓ બંધ
તો, રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે પાણી ભરાઈ જવાને કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આપવામાં આવેલ સત્તાવાર માહિતી મુજબ, રાજ્યમાં 885 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો, સાથે સાથે, 67 સ્ટેટ હાઈવે અને 5 નેશનલ હાઇવે પણ બંધ કરવામાં આવ્યા છે. તો, ભારે વરસાદથી એસટી રુટ પર પણ અસર થઈ છે. રાજ્યના 837 રુટની બસો બંધ કરવાની ફરજ પડી છે. તો, એસટીની 3933 ટ્રીપ રદ્દ કરવામાં આવી છે.