November 24, 2024

માધુપુરા ક્રિકેટ સટ્ટા કેસ મામલે મોસ્ટ વોન્ટેડ સટ્ટાકિંગ દીપક ઠક્કરની ધરપકડ

અમદાવાદ: માધુપુરામાં ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગના કેસ મામલે મોસ્ટ વોન્ટેડ સટ્ટાકિંગ દીપક ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દુબઈમાં જઈ સટ્ટાકિંગ દીપક ઠક્કરની ધરપકડ કરી છે. આ મામલે એમએમસીના DySP કે.ટી કામરિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ તપાસ SMCને સોંપાઈ હતી, જેનો મુખ્ય આરોપી દીપક ઠક્કર હતો. જેને પકડવા માટે CRPC મુજબ વોરંટ ઇસ્યુ થયું હતું. આરોપી દુબઈ બેઠા બેઠા ગુજરાતના અલગ-અલગ શહેરોમાં સટ્ટો રમાડતો હતો.

મોસ્ટ વોન્ટેડ સટ્ટાકિંગ દીપક ઠક્કર વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરાઈ હતી અને જે બાદ ઇન્ટરપોલને પણ જાણ કરાઇ હતી અને દુબઈમાં ધરપકડ કરાઈ હતી. જોકે આજે આરોપી દીપક ઠક્કરનો કબ્જો SMCએ લીધો છે. દીપક ઠક્કર હર્ષિલ જૈન મહાવીર ટ્રેડિંગ નામની દુકાન ચલાવતો હતો અને ત્યાં જ ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમાડતો હતો.

આ પણ વાંચો: રૂ.10 લાખની લાંચના કેસમાં ફરાર PSIની એક વર્ષ બાદ સુરત LCB એ ધરપકડ કરી

સટ્ટાકિંગ દીપક ઠક્કર અમદાવાદના વેજલપુરમા ઓફિસ રાખી 3 લોકો સાથે સટ્ટો રમાડતો હતો અને રૂપિયા હવાલા થકી દુબઈ મોકલતો હતો. જોકે કોરાનાકાળ પહેલા જ દીપક ઠક્કર દુબઈ ગયો હતો અને વચ્ચે એક વખત ભારતમાં પરત ફર્યો હતો અને ફરી પાછો દુબઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે, મોસ્ટ વોન્ટેડ આરોપી દીપક ઠક્કર ડીસા બાજુનો છે અને 8 ધોરણ ભણેલો છે પરંતુ ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટામાં સારું નોલેજ ધરાવે છે. આરોપી પાસેથી એક ડાયરી મળી છે જેમાં ભગવાનના નામ અને શ્લોક લખેલા છે. ત્યાં જ દીપક ઠક્કર દ્વારા કેસ દાખલ થયો ત્યારબાદથી અત્યાર સુધીમાં 2300 કરોડનું ટર્ન ઓવર થયું હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં અમિત મજેઠિયા અને હર્ષિલ જૈન પણ આ આરોપી છે.