November 25, 2024

ગીર ગઢડાનું આ ગામ જીવે છે 18મી સદીમાં! કોઈ પ્રાથમિક સુવિધા નહીં, વિકાસ માત્ર કાગળ પર

ગીર ગઢડાઃ તાલુકામાં આવતું અને ગીર જંગલમાં આવતું સેટલમેન્ટનું આવેલું આ ઘોડાવડી ગામ આજે પણ શૌચાલય સુવિધા કે પાણીની સુવિધા કે જ્યોતિગ્રામ જેવી પ્રાથમિક જરૂરિયાત પણ આપવામાં આવી નથી. જંગલ ખાતાના જડ નિયમોનો ભોગ બનેલ આ ગામ વિકાસ થયો નથી અને અનેક રજૂઆતો કાગળ ઉપર જ રહે છે કોઈ નિરાકરણ આવતું નથી. ગુજરાતના કહેવાતા વિકાસમાં આ ગામ ક્યાંય પછાત રહી ગયું છે.

દેશ આઝાદ થયો એને વર્ષો વીતી ગયા પણ આ ગામ આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. પાયાની એક પણ સુવિધા આ ગામને મળી નથી. સરકાર એક તરફ ગામડાંઓને સદ્ધર કરવાની વાતો કરે છે. તો બીજી તરફ આ ગામના નાના ભૂલકાંઓ માટે આંગણવાડી નથી. ભાડાનાં મકાનમાં અહીં આંગણવાડી ચલાવવામાં આવે છે. અનેક પ્રશ્નોથી ઘેરાયેલું આ ગામ હવે વિકાસ ઝંખે છે. સિંહ અને દીપડા દ્વારા ગાય, ભેંસોનું મારણ થાય તો સેટલમેન્ટના ખેડૂતને નાની રકમનું વળતર આપવામાં આવે છે.

ઘોડાવડીની સમસ્યાની વાત કરીએ તો ગામમાં જંગલના ગેટથી ગામ સુધીની 3 કિમીનો રોડ નથી. ચોમાસામાં અહીં બાઈક સ્લીપ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોડ ખરાબ હોવાથી ક્યારેક દૂધ પણ ઢોળાય જાય છે. અહીં લાઇટ તો છે પણ જ્યોતિગ્રામ લાઈટ નથી. એનાં કારણે 24 કલાકમાં ફક્ત 8 કલાક લાઈટ મળે છે, તે પણ પૂરા 8 કલાક રહેતી નથી. અહીં જંગલ વિભાગ દ્વારા ખેતી તો આપી છે પણ તેમાં કોઈ યોજનાનો લાભ ખેડૂતને મળતો નથી કે કોઈ સહાય ખેડૂતને આવતી નથી.

અહીં ગામના ભૂલકાં માટે શાળા તો છે પણ તેમાં 1થી 8મા શિક્ષકોની અછત છે. તેમજ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન માટે નથી શેડ કે નથી મધ્યાહન ભોજન બનતું. કારણ કે, મધ્યાહન ભોજન બનાવવા અહીં રસોડાની વ્યવસ્થા પણ નથી. અહીં બાજુમાં આવેલા કોદીયા ગામથી રસોઈ બનાવીને વિધાર્થીઓને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. આમ આ એક પછાત રહી ગયેલું ગામ છેલ્લા ઘણા સમયથી વિકાસ ઝંખે છે.