Expert Opinion: તમને જ્યારે પણ કંઈ નવું જાણવાની ઇચ્છા થાય તો તમે કદાચ ગૂગલ કરતા હશો. ગૂગલ પર સૌથી પહેલાં તમને વિકિપીડિયાનો વિકલ્પ જોવા મળતો હશે. તમે કદાચ વિકિપીડિયાને ઓથેન્ટિક સોર્સ માનતા હશો. જો અમે તમને કહીશું કે, વિકિપીડિયા પર ભારત વિશે આપવામાં આવતી માહિતી ખોટી હોય છે તો તમને અચૂક આશ્ચર્ય થશે. જોકે, આ વરવી વાસ્તવિકતા છે. વિકિપીડિયા ડાબેરી વિચારસરણી ધરાવતા લોકોનું પ્લેટફોર્મ બની ગયું છે. આ પ્લેટફોર્મ પર ભારત અને હિન્દુઓની વિશે મોટા પાયે ખોટી માહિતી છે. જૂઠાણાંઓની આ જાળ વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું.
વિકિપીડિયા પોતાની જાતને નિર્દોષ અને ન્યૂટ્રલ ગણાવતું રહે છે. જોકે, સચ્ચાઈ એ છે કે, વિકિપીડિયા પર ઇરાદાપૂર્વક ભારત અને હિન્દુ વિરોધી કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે. ખોટી માહિતી આપવામાં આવી રહી છે. હકીકતોને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે. આપણા આ મહાન દેશને લઈને વિકિપીડિયાને સંપૂર્ણપણે પક્ષપાત છે. ભારત અને હિન્દુઓની છબી ખરાબ કરવા માટે ભરપૂર કોશિશ કરવામાં આવી રહી છે. આજે અમે ભારત વિરોધી પ્રોપેગેન્ડા અને એજન્ડા પર ફુલસ્ટોપ મૂકીશું.
અત્યારે આ ચર્ચા કરવાનું કારણ દિલ્હી હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી છે. આ સુનાવણી દરમ્યાન અદાલતે વિકિપીડિયાને ચેતવણી આપી હતી. સૌથી પહેલાં આખો મામલો તમે સમજો અને એ પછી આ ચેતવણીનું કારણ અમે તમને જણાવીશું. ન્યૂઝ એજન્સી ANIએ વિકિપીડિયાની વિરુદ્ધમાં બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આ ન્યૂઝ એજન્સીએ આરોપ મૂક્યો હતો કે, વિકિપીડિયા પર એના વિશે ખોટી માહિતી મુકાઈ છે. ઇરાદાપૂર્વક આ ખોટી માહિતી મૂકવા માટે છૂટ આપવામાં આવી છે. હકીકતમાં ANI એક રીતે સરકારના પ્રચાર અભિયાનનો ભાગ હોવાનું વિકિપીડિયા પર લખવામાં આવ્યું છે. ANI વિશે ઘસાતું લખનારાઓનાં નામ આપવા માટે અદાલતે વિકિપીડિયાને આદેશ આપ્યો હતો. જોકે, વિકિપીડિયાએ અદાલતના આ આદેશનું પાલન જ ના કર્યું. એટલા માટે જ આખરે અદાલતે સુનાવણી દરમ્યાન વિકિપીડિયાના વકીલને ફટકાર લગાવી હતી.
જસ્ટિસ નવીન ચાવલાએ વિકિપીડિયાના વકીલને જણાવ્યું હતું કે, ‘હું કોર્ટની અવમાનનાની વિરુદ્ધ કાર્યવાહી કરીશ. અમે ભારતમાં તમારાં બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સને બંધ કરી દઇશું. વિકિપીડિયાને બ્લોક કરી દેવા માટે અમે સરકારને કહીશું. જો તમને ભારત ના પસંદ હોય તો, પ્લીઝ ભારતમાં કામ ના કરો.’
આઘાતજનક વાત એ છે કે, અદાલતની ફટકાર બાદ પણ વિકિપીડિયાને કોઈ જ ફરક પડ્યો નથી. આજની તારીખે પણ વિકિપીડિયા પર ANIની વિરુદ્ધ લખાણ યથાવત્ છે. જેમ કે, વિકિપીડિયા પર લખવામાં આવ્યું છે કે, ANI ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતી આપે છે. વિકિપીડિયા ન તો આવું લખાણ દૂર કરે છે કે ન તો આવું લખાણ લખનારાઓનાં નામ અદાલતને આપે છે. એટલે કે, એક રીતે ભારતના કાયદાઓનું સન્માન કરતું નથી. માત્રને માત્ર ANIની વાત નથી. વિકિપીડિયા પર તમને ભારત અને હિન્દુઓ વિરોધી ભરપૂર લખાણ જોવા મળશે. હિન્દુઓની આસ્થા પર આઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા એકાદ-બે પેજની વાત નથી. અસંખ્ય ઉદાહરણો તમને જોવા મળશે.
આસ્થા પર આઘાતનું આવું જ એક ઉદાહરણ અમે તમને આપીશું. ભગવાન શ્રીરામ કરોડો હિન્દુઓના આરાધ્યદેવ છે. એટલા માટે જ આખા ભારતમાં જય શ્રીરામનું સૂત્ર ગૂંજે છે. જોકે, વિકિપીડિયાને જય શ્રીરામમાં પણ હિંસા દેખાય છે. ભારતમાં બનતી હિંસાઓની સાથે જય શ્રીરામ સૂત્રને જોડવામાં આવી રહ્યું છે. આનાથી વધારે ભયાનક બાબત શું હોય શકે ? શા માટે હિન્દુઓની સહિષ્ણુતાની પરીક્ષા લેવામાં આવી રહી છે ? શું વિકિપીડિયા પર બીજા કોઈ ધર્મનું આ પ્રકારનું લખાણ શક્ય છે ? અમે કોઈ પણ ધર્મની વિરુદ્ધના લખાણનો વિરોધ કરીએ છીએ.
જય શ્રીરામ પેજ પર કેવા પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે એ તમે જુઓ. વિકિપીડિયા પર લખવામાં આવ્યું છે કે, 1992માં બાબરી મસ્જિદના ડિમોલિશન અને એના પછી કોમી રમખાણો દરમ્યાન જય શ્રીરામનું સૂત્ર બોલાયું હતું. જેના માટે BBCના ભૂતપૂર્વ બ્યૂરો ચીફ માર્ક તુલીને ટાંકવામાં આવ્યા છે. આખરે સવાલ એ છે કે, શા માટે જય શ્રી રામના સૂત્રની સાથે આ પ્રકારની ઘટનાને જોડવામાં આવી રહી છે ?
ખ્રિસ્તીઓને હિન્દુઓની વિરુદ્ધ ઉશ્કેરવા માટે કેવા પ્રયાસ થઈ રહ્યા છે એનું પણ અમે તમને ઉદાહરણ આપીશું. જય શ્રીરામના પેજ પર જ ઓડિશાના મનોહરપુરમાં જાન્યુઆરી 1999ની ઘટનાનો પણ ઉલ્લેખ છે. જેમાં ઑસ્ટ્રેલિયન મિશનરી ડૉક્ટર ગ્રેહામ સ્ટેન્સને તેમનાં બે સંતાનની સાથે જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. વિકિપીડિયા પર લખવામાં આવ્યું છે કે, ગ્રેહામ પરના હુમલા વખતે પણ જય શ્રીરામનો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
આવી તો અનેક ઘટનાઓનો ઉલ્લેખ છે. જેમ કે, વિકિપીડિયા પર લખવામાં આવ્યું છે કે, ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ માટે જવાબદાર ટોળાએ પણ જય શ્રીરામનો જ ઉચ્ચાર કર્યો હતો. એટલું જ નહીં આ પેજ પર લખવામાં આવ્યું છે કે, અમદાવાદના ભૂતપૂર્વ સંસદસભ્ય અહેસાન ઝાફરીને પણ જય શ્રીરામ બોલવાની ફરજ પાડવામાં આવી હતી.
સચ્ચાઈ એ છે કે, જય શ્રીરામ નામ બોલતાની સાથે જ મનમાં ભક્તિભાવ જાગે છે. માણસની અંદર રહેલો ગુસ્સો પણ દૂર થઈ જાય છે. કેમ કે, આંખો સમક્ષ ભગવાન શ્રીરામનો સૌમ્ય ચહેરો આવી જાય છે. વાસ્તવમાં આખી દુનિયાના માણસો જેટલા પણ સારા ગુણોનો વિચાર કરીને એનું લિસ્ટ બનાવે તો પણ ભગવાન શ્રીરામના સારા ગુણોનું લિસ્ટ પૂરું ના થઈ શકે. આમ છતાં વિકિપીડિયા તો હિંસક ઘટનાઓની સાથે જ જય શ્રીરામને જોડી રહ્યું છે. આ જ કારણસર વિકિપીડિયા ડાબેરી વિચારસરણીનું પ્લેટફોર્મ બની ગયું હોવાનું જણાઈ રહ્યું છે.
દરેકેદરેક ભારતીય માને છે કે, ભગવાન શ્રીરામનાં પગલાં આ ધરતી પર પડ્યા છે. અયોધ્યા અને જનકપુર સહિત અનેક સ્થળોએ એના પુરાવા છે. દરેકેદરેક હિન્દુ માને છે કે, રામસેતુ પર ચાલીને ભગવાન શ્રીરામ લંકામાં ગયા હતા. આમ છતાં વિકિપીડિયા રામસેતુને એડમ્સ બ્રિજ ગણાવે છે.
વિકિપીડિયા પર આવું લખાણ લખવામાં આવે છે અને છતાં કોઈ પણ જાતનો હોબાળો મચતો નથી. ક્યારેક કેટલાક સજાગ લોકો સોશિયલ મીડિયા પર વાંધો ઉઠાવે છે. તેઓ એ રીતે તેમની જવાબદારી પૂરી કરતા રહે છે. જોકે, મોટા ભાગના સહિષ્ણુ હિન્દુઓએ હિન્દુ ધર્મના અપમાન સામે પોતાની આંખો મીંચી દીધી છે. સહિષ્ણુતા હોવી જોઈએ, પરંતુ આરાધ્યદેવનું અપમાન છતાં પણ લોહી ના ઉકળે તો એવી સહિષ્ણુતાને પડતી મૂકો. હિન્દુ ધર્મનું અપમાન કરીને ભારતના યુવાનો અને બાળકોને ગેરમાર્ગે દોરવાનો આ પ્રયાસ છે. તેમના મનમાં હિન્દુ હોવાનો અફસોસ જગાવવાની કોશિશ કરવામાં આવે છે. એટલે જ આવા પ્રયાસો સામે ચેતવાની જરૂર છે. આવા પ્રયાસોના કારણે જ હાઈકોર્ટે આખરે ચેતવણી આપવી પડી હતી કે, વિકિપીડિયા બંધ કરવામાં આવી શકે છે.
વિકિપીડિયા કેવી રીતે જૂઠપીડિયા બની ગયું છે એની અમે વાત કરી રહ્યા છીએ. એના માટે જવાબદાર કાવતરાખોરો વિશે અમે તમને જણાવીશું, પરંતુ એના પહેલાં વિકિપીડિયાનાં વધુ કેટલાંક જૂઠાણાં તમારે જાણવા જરૂરી છે. અમારો ઇરાદો કોઈ પણ સંપ્રદાયના લોકોને ગેરમાર્ગે દોરવાનો નથી. જોકે, જે રીતે હિન્દુઓ અને ભારતનો ખોટો પ્રચાર થઈ રહ્યો છે. એના પર ફુલસ્ટોપ મુકાવવું જ જોઈએ.
વિકિપીડિયા પર આયુર્વેદ વિશે પણ ઘસાતું લખવામાં આવ્યું છે. અત્યારે આખી દુનિયા આયુર્વેદના ગુણગાન ગાઈ રહી છે. હજારો વર્ષોથી આયુર્વેદની પરંપરા રહી છે. આમ છતાં વિકિપીડિયા પર લખવામાં આવ્યું છે કે, આયુર્વેદની અનેક દવાઓમાં લીડ જેવી ઝેરી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકા અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશોમાં આયુર્વેદનો પ્રભાવ વધ્યો છે. જેના કારણે અમેરિકા અને બ્રિટન જેવા દેશોના એલોપેથીના ડૉક્ટર્સ આયુર્વેદમાં ઝેરી ધાતુઓ હોવાનો પ્રચાર કરતા રહે છે. એટલે જ વિકિપીડિયા આવા જ એલોપેથિક ડૉક્ટર્સનો એજન્ડા ચલાવતું હોવાનું સ્પષ્ટ રીતે જણાય છે.
વિકિપીડિયા હિન્દુ વિરોધી હોવાનો વધુ એક પુરાવો અમે તમને આપીશું. વાત દિલ્હીમાં 2020માં થયેલા કોમી રમખાણોની છે. મુસલમાનોની બહુમતીવાળા વિસ્તારોમાં કોમી રમખાણો થયા હતા. તોફાનીઓએ ખૂબ જ કેર વર્તાવ્યો હતો. દિલબર નેગી નામના એક માણસના પહેલાં હાથ અને પગ કાપી નાંખવામાં આવ્યા હતા. બાદમાં તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આ જ રમખાણો દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રતન લાલની હત્યા કરવામાં આવી હતી. એ સિવાય પણ બીજા કેટલાક પોલીસકર્મીઓને ઇજા થઈ હતી. આ કેસમાં મોહમ્મદ ખાલિદ સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હવે, આ કોમી રમખાણો વિશે વિકિપીડિયા પર શું જાણકારી આપવામાં આવી છે એ તમે જુઓ. અહીં લખવામાં આવ્યું છે કે, હિન્દુ ટોળાઓએ મુસલમાનો પર હુમલા કર્યા હતા. જેમાં 53 લોકોનાં મોત થયાં હતાં. જેમાંથી બે-તૃતિયાંશ લોકો મુસલમાન હતા. તેમને ગોળી મારવામાં આવી હતી. તેમને આગ લગાડવામાં આવી હતી. અનેક મુસલમાનો મિસિંગ પણ થઈ ગયા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ કોમી રમખાણોમાં મુસલમાનો પણ માર્યા ગયા હતા. જોકે, હકીકત એ છે કે, ઉશ્કેરણીજનક લખાણ લખવામાં આવ્યું છે.
વિકિપીડિયા પરના કન્ટેન્ટના કારણે જ્યારે પણ વિવાદ થાય ત્યારે વિકિપીડિયા પોતાની જાતને નિર્દોષ ગણાવે છે. જોકે, આજે અમે આ ભ્રમ પણ દૂર કરીશું. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ ઓનલાઇન એન્સાઇક્લોપીડિયા પરથી ખોટી માહિતી દૂર કરવાની કોશિશ કરી છે. જોકે, તેમને એમાં સફળતા મળી નથી.
ખૂદ વિકિપીડિયાના કો-ફાઉન્ડર લેરી સેન્ગેરે જ જણાવ્યું છે કે, વિકિપીડિયા પર વાસ્તવમાં ડાબેરીઓનો કન્ટ્રોલ થઈ ગયો છે. અનેક ઇન્ટરવ્યૂઝ અને ટોક શોમાં તેમણે આ વાત જણાવી છે. તેમણે વારંવાર કહ્યું છે કે, વિકિપીડિયા પર આપવામાં આવતી માહિતી ખોટી હોય છે. ડાબેરીઓના રંગમાં રંગાઈને જ માહિતીને આપવામાં આવે છે. દુનિયાભરમાં આ વાતની નોંધ લેવામાં આવી રહી છે.
અમેરિકામાં રહેતા ડેવિડ ફ્રોવલીએ પણ આ વાતની નોંધ લીધી છે. તેઓ પોતે વેદાચાર્ય છે. તેમણે યોગ, આયુર્વેદ અને વેદાંત પર અનેક પુસ્તકો લખ્યાં છે. પદ્મભુષણથી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે. તેમણે એક TWEETમાં લખ્યું હતું કે, આયુર્વેદ, વેદો, હિન્દુ નેતાઓ, હિન્દુઓનો ઇતિહાસ, હિન્દુ વિદ્વાનો તેમજ ભારતની તરફેણમાં રહેલી દરેક વાત પર વિકિપીડિયાએ હુમલા કર્યા છે. આ એક એવો એન્સાઇક્લોપીડિયા નથી કે જેમાં તમામ લોકો સમાન રીતે યોગદાન આપી શકે. સંસ્કૃતિને પ્રભાવિત કરવાનો આ એક પ્રયાસ છે. વિકિપીડિયા પર માહિતી પૂરી પાડવા માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં થોડાં ઘણા લોકોને અનલિમિટેડ પાવર્સ આપી દેવામાં આવ્યા છે.
આવા લોકોને એડમિનિસ્ટ્રેટર કહેવામાં આવે છે. અત્યારે આખી દુનિયામાં માત્ર 435 એક્ટિવ એડ્મિનિસ્ટ્રેટર્સ છે.
આ એડ્મિનિસ્ટ્રેટર્સ કેટલાક ચોક્કસ લોકો પર પ્રતિબંધ મૂકી દે છે. જેથી આ લોકો વિકિપીડિયા પર કોઈ પણ જાતનું કન્ટેન્ટ એડિટ ના કરી શકે. એડ્મિનિસ્ટ્રેટર્સ સોર્સીસને બ્લેકલિસ્ટ પણ કરી શકે છે. એટલે કે, ધારો કે, કોઈ ન્યૂઝ વેબસાઇટ પર ઓથેન્ટિક માહિતી આપવામાં આવી હોય, પરંતુ આ ડાબેરી ગેંગને એમ લાગે કે, તેમના એજન્ડા માટે એ પ્રતિકૂળ છે તો તેઓ એને બ્લેકલિસ્ટ કરી શકે છે. એટલે કે, સમગ્ર વિકિપીડિયા પર કેવા પ્રકારનું કન્ટેન્ટ રહેશે એ આ લોકો જ નક્કી કરતા હોય છે.
આ એડ્મિનિસ્ટ્રેટર્સને વિકિમીડિયા ફાઉન્ડેશન તરફથી રૂપિયા ચૂકવવામાં આવે છે. જોકે, સીધા જ સેલેરી આપવામાં આવે તો વિકિપીડિયા બધાને સરખી તક ન આપતું હોવાનું પુરવાર થઈ જાય. એટલા માટે જ વિકિમીડિયાને સંબંધિત પ્રોજેક્ટ્સના નામે આ એડ્મિનિસ્ટ્રેટર્સને રૂપિયા આપવામાં આવે છે. એટલે ભલે વિકિપીડિયા દાવો કરે કે, આ વેબસાઇટ પર કોઈ પણ વ્યક્તિ એડિટ કરી શકે છે. જોકે, એ વાસ્તવિકતા નથી.
હવે, સવાલ એ છે કે, વિકિમીડિયા ફાઉન્ડેશનને કેવી રીતે ફંડ મળે છે ? તમે વિકિપીડિયા પર જશો તો તમારી પાસેથી ડોનેશન માગવામાં આવે છે. આખી દુનિયામાંથી આ રીતે ડોનેશન માગવામાં આવે છે. એટલે કદાચ અનેક લોકો માનતા હોય છે કે, વિકિપીડિયા સેવા કરી રહ્યું છે. જેના કારણે એની આર્થિક હાલત ડામાડોળ છે. એટલે જ એને ડોનેશનની જરૂર પડી છે.
ગૂગલ પર સૌથી વધુ સર્ચ થતી વેબસાઇટ્સમાં વિકિપીડિયાનો સમાવેશ થાય છે. 2023માં દર મહિને આ વેબસાઇટને સરેરાશ 4.5 અબજ વખત જોવામાં આવી હતી. વિકિપીડિયા પર તમામ ભાષાના થઈને કુલ 6.10 કરોડ કરતાં પણ વધારે આર્ટિકલ્સ છે. આ આંકડાઓથી ખ્યાલ આવે છે કે, આખી દુનિયા વિકિપીડિયા પર ભરોસો મૂકે છે. જોકે, ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી અવારનવાર કહેતા રહે છે કે, વિકિપીડિયા માટે અર્બન નક્સલ્સ એડિટર્સ કામ કરે છે. વિકિપીડિયા પર ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ વિશેના વર્ણનથી વિવેક અકળાયા હતા. આ ઓનલાઇન એનસાઇક્લોપીડિયાએ આ ફિલ્મને કાલ્પનિક સ્ટોરી કહી હતી. એટલે કે, એક રીતે જણાવી દીધું હતું કે, કાશ્મીરમાં પંડિતો પર અત્યાચારો થયા જ નથી. તેમની હત્યા થઈ જ નથી. આ ઘટનાથી જ વિકિપીડિયા ચલાવનારાઓની માનસિકતા છતી થઈ જાય છે.
કંગના રનૌતે પણ ભૂતકાળમાં વિકિપીડિયાની આકરી ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે, ડાબેરીઓએ સંપૂર્ણપણે વિકિપીડિયાને હાઇજેક કરી દીધું છે. વાસ્તવમાં વિકિપીડિયા પર કંગના વિશે પણ ખોટી માહિતી આપવામાં આવી છે. કંગના અને વિવેક સિવાય પણ બીજી અનેક હસ્તીઓએ વિકિપીડિયાની આકરી ટીકા કરી છે. વિકિપીડિયા અવારનવાર ડોનેશન માટે અપીલ કરે છે. જોકે, વિકિપીડિયાને ચલાવનાર વિકિમીડિયા ફાઉન્ડેશનને કરોડો ડોલરનું ફંડ મળે છે. ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ, રોકફેલર ફાઉન્ડેશન, ટાઇડ્સ ફાઉન્ડેશન સહિતની મોટી સંસ્થાઓ એને ભંડોળ આપે છે. એ સિવાય ગૂગલ પણ વિકિમીડિયા ફાઉન્ડેશનને કરોડો ડોલર આપે છે. એટલું જ નહીં, ગૂગલ વિકિપીડિયાના કન્ટેન્ટને પ્રમોટ કરે છે અને એબ્સ્ટ્રેક્ટ વીકિપીડિયા જેવા પ્રોજેક્ટ્સ માટે પણ ભંડોળ આપે છે.
અમે તમને ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સનું નામ જણાવ્યું હતું. ભારતનો દુશ્મન જ્યોર્જ સોરોસ જ આ સંસ્થા ચલાવે છે. તમે અવારનવાર આ નામ સાંભળતા રહેતા હશો. અમેરિકાનો અબજોપતિ સોરોસ ભારતની વિરુદ્ધ કેમ્પેઇન ચલાવતો રહે છે. તે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. સોરોસે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરવાનો, અને CAA એટલે કે નાગરિકતા સુધારા કાયદાનો ખૂબ જ વિરોધ કર્યો હતો. સોરોસ અને કોંગ્રેસ વચ્ચેના કનેક્શનને લઈને પણ BJP અવારનવાર આરોપો મૂકતી રહી છે. જેમ કે, સ્મૃતિ ઇરાનીએ એક સમયે આરોપ મૂક્યો હતો કે, રાહુલ ગાંધી આ પહેલાંની તેમની અમેરિકાની વિઝિટ દરમ્યાન સુનિતા વિશ્વનાથ નામની એક મહિલાને મળ્યા હતા. જ્યોર્જ સોરોસ તરફથી આ મહિલાને ફંડ મળતું રહે છે. સ્મૃતિએ સવાલ કર્યો હતો કે, હવે રાહુલ જ ખુલાસો કરે કે, તેઓ શા માટે સુનિતાને મળ્યા હતા ? હવે, આ જ જ્યોર્જ સોરોસનું કનેક્શન વિકિપીડિયાની સાથે આવ્યું છે. એટલે જ્યોર્જ સોરોસ ભંડોળ આપતા હોય તો સ્વાભાવિક રીતે વિકિપીડિયા પર તેમની મરજી મુજબનું જ કન્ટેન્ટ ચાલે. સોરોસ ભારતના વિરોધી છે એટલે સ્વાભાવિક રીતે વિકિપીડિયા પર ભારત વિરોધી કન્ટેન્ટ જોવા મળે છે.
અમે તમને ટાઇડ્સ ફાઉન્ડેશનનું નામ પણ જણાવ્યું હતું. અમેરિકામાં આતંકવાદી સંગઠન હમાસના સપોર્ટમાં તાજેતરમાં વિરોધ પ્રદર્શનો થયાં હતાં. આ પ્રદર્શનો માટે જ્યોર્જ સોરોસની સંસ્થા અને ટાઇડ્સ ફાઉન્ડેશને જ ભંડોળ આપ્યું હતું. આવો આરોપ મૂકવામાં આવ્યો છે. હિન્દુઝ ફોર હ્યૂમન રાઇટ્સ અને ઇક્વાલિટી લેબ્સ જેવાં શંકાસ્પદ સંગઠનોની સાથે વિકિમીડિયા ફાઉન્ડેશનનાં કનેક્શન્સ બહાર આવ્યાં છે.
ભારતમાં વિકિમીડિયા ફાઉન્ડેશનની કોઈ હાજરી નથી. ભારતમાં એની એક નોંધાયેલી સંસ્થા હતી. જોકે, 2019માં આ સંસ્થાને બંધ કરી દેવામાં આવી હતી. આમ છતાં વિકિમીડિયા ફાઉન્ડેશન ભારતીયો પાસેથી લાખો રૂપિયાનું ડોનેશન મેળવે છે. એટલું જ નહીં વિકિમીડિયા ફાઉન્ડેશન ભારતમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓને ભંડોળ પૂરું પાડતું હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. કહેવાની જરૂર નથી કે, વિકિમીડિયા માત્ર ડાબેરી વિચારસરણી ધરાવતી સંસ્થાઓને જ ભંડોળ આપે છે.
ભારતમાં સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ માટે કાયદા લાગુ કરવામાં આવ્યા છે. આ કાયદા મુજબ વિકિપીડિયા પર ખોટી માહિતી બદલ એની વિરુદ્ધ કેસીસ ચાલવા જોઈએ. અત્યારે ન્યૂઝ એજન્સી ANIનો કેસ ચાલી રહ્યો છે. જોકે, ભારત અને હિન્દુઓ વિરોધી તમામ કન્ટેન્ટ બદલ આવા કેસીસ ચાલવા જોઈએ. વિકિપીડિયા વિરુદ્ધ કેસ ચલાવી શકાય એના માટે ભારતમાં એની એક ઓફિસ હોવી જરૂરી છે.
ભારતમાં વિકિમીડિયા ફાઉન્ડેશનનાં તમામ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સની તપાસ થવી ખૂબ જ જરૂરી છે. આ ફાઉન્ડેશન ભારતમાં ડાબેરી વિચારસરણી ધરાવતી અનેક સંસ્થાઓને ભંડોળ આપે છે. આ સંસ્થાઓ ભારતમાં અરાજકતા ફેલાવવાનું કામ કરી શકે છે. વિકિપીડિયાની વિરુદ્ધ પહેલાં જ ભારતની અદાલતોમાં અનેક કેસીસ કરવામાં આવ્યા છે.
તમે અનેક વખત સાંભળ્યું હશે કે, માહિતી એક હથિયાર છે. વિકિપીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ચલાવનારાઓ આ જ હથિયારનો ભારતની વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યા છે. તેઓ હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. ભારતની વિરુદ્ધ એજન્ડા ચલાવી રહ્યા છે. જેના માટે કરોડો રૂપિયા આપવામાં આવી રહ્યા છે. એટલા માટે જ હવે, તમારે ચેતી જવાની જરૂર છે. કોઈ પણ સાઇટ પર આપવામાં આવતી માહિતી પર આંધળો ભરોસો ના કરવો જોઈએ. કોઈ પણ કન્ટેન્ટને ફોરવર્ડ કરતાં પહેલાં થોડો વિચાર કરજો. શક્ય હોય તો ખરાઈ કરજો. ખરાઈ ના કરવી હોય તો ઓછામાં ઓછું વિવાદાસ્પદ કન્ટેન્ટને ફોરવર્ડ તો ના જ કરતા.