ક્રિસમસ પર ઈઝરાયેલની એર સ્ટ્રાઇક, બાળકો સહિત 70 લોકો મર્યા..!
ગાઝા/ જેરુસ્લેસ : ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જાય છે. આ યુદ્ધમાં બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. નોંધનીય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 80 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો તરફથી હવાઈ અને જમીની હુમલા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ક્રિસમસ પર ઈઝરાયેલે ગાઝામાં જોરદાર હવાઈ હુમલો કર્યો છે. જેમાં બાળકો સહિત લગભગ 70 લોકોના મોત થયા છે. ગાઝા પટ્ટીમાં આ એર સ્ટ્રાઇક સૌથી ઘાતક માનવામાં આવી છે. રવિવારની મધ્યરાત્રિએ ઇઝરાયેલ દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો અને સોમવારની સવાર સુધી સતત હુમલા ચાલુ રાખ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ અને પેલેસ્ટિનિયન મીડિયાએ અહેવાલ રજૂ કર્યો કે ઇઝરાયેલે ગાઝામાં હવાઇ અને જમીન પર ગોળીબાર કર્યો હતો. એક ન્યૂઝ એજન્સી અનુસાર, ગાઝાનાં સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન આપ્યું હતું કે ઈઝરાયેલની આ એરસ્ટ્રાઇક હુમલામાં લગભગ 70 જેટલા લોકો મરી ગયા છે. આ હુમલાઓ એક કેમ્પને ધ્યાનમાં લઇને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. જેના કારણે અનેક મકાનો પર પણ અસર દેખાઇ રહી છે. બીજી બાજુ આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે યુદ્ધ દરમિયાન મૃત્યુઆંક 20 હજારને વટાવી ગયો છે, જેમાંથી બે તૃતીયાંશ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
ઘટનાની સમીક્ષા શરૃ છે : ઈઝરાયેલ
યુદ્ધ મુદ્દે આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે ગાઝાની વચ્ચે મગાજી કેમ્પને નિશાન બનાવીને રાત્રે એર સ્ટ્રાઇક કરી છે. બીજી બાજુ ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તે સંપૂર્ણ આ ઘટનાની તપાસ કરી રહી છે. ઇઝરાયેલી સેનાએ વધુમાં જણાવ્યું કે હમાસના સૈનિકોઓ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં છુપાયેલા છે અને નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરીને ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જો કે હમાસે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
🚨The Palestine Red Crescent teams evacuated 5 martyrs and 8 wounded 🚑following the targeting of a house in the Maghazi camp in the central #Gaza Strip.
📷Videography by volunteer: Mohammed Suleiman. pic.twitter.com/piNuflu51j— PRCS (@PalestineRCS) December 24, 2023
‘બેથલહેમમાં નાતાલની ઉજવણી રદ કરાઈ’
ઇઝરાયેલના કબજા હેઠળના પેલેસ્ટિનિયન વેસ્ટ બેંક શહેર બેથલેહેમમાં પાદરીઓએ નાતાલની ઉજવણી પર રોક લગાવી દીધો છે. બીજી તરફ પોપ ફ્રાન્સિસે ગાઝા પર થયેલા હુમલા પર દુખ વ્યક્ત કર્યું છે. નોંધનીય છે કે બેથલહેમને લઈને ખ્રિસ્તી સમુદાયનું માનવું છે કે ઈશુ ખ્રિસ્તનો જન્મ ત્યાં 2000 વર્ષ પહેલા થયો હતો. અહીંયા દર વર્ષે નાતાલની ઉજવણી માટે હજારો પ્રવાસીઓ મુલાકાત લે છે. પેલેસ્ટિનિયનના ખ્રિસ્તી લોકોએ પહેલાં મીણબત્તીઓ પ્રગટાવી હતી અને ગાઝામાં સામાન્ય ઉજવણીને બદલે શાંતિ માટે પ્રાર્થના કરી હતી.