November 22, 2024

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અમદાવાદમાં God Bless Foundation દ્વારા એક નવી પહેલ

God Bless Foundation in Ahmedabad: રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સમગ્ર દેશમાં બહેનો પોતાના ભાઈના દિર્ગઆયુષ્ય અને સુખી જીવનની કામના કરે છે ત્યારે દેશની સરહદથી લઈ વિદેશમાં રહેતા ભાઈઓને પણ બહેનો પોતાની રાખડી મોકલતી હોય છે. આવામાં અમદાવાદ શહેરમાં ગરીબ બાળકો સાથે ‘ગોડ બ્લેસ ફાઉન્ડેશન’ એ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. રક્ષાબંધનના પવિત્ર તહેવાર માટે અમદાવાદના વાડજ વિસ્તારના રામાપીરના ટેકરા ખાતે ‘ગોડ બ્લેસ ફાઉન્ડેશન’ દ્વારા ખૂબજ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગરીબ બાળકોને ગોડ બ્લેસ ફાઉન્ડેશન તરફથી રમકડાના સ્વરૂપમાં રાખડીઓ આપવામાં આવી હતી. જેમાં આ દીકરીઓએ પોતાના ભાઇઓને આ રાખડીઓ બાંધી હતી.

ગોડ બ્લેસ ફાઉન્ડેશન દ્વારા જે રાખડીઓ આપવામાં આવી હતી તે અવનવી વેરાયટીની હતી, જેમાં લાઇટો થવી, પોકેમોન સહિત કાર્ટુનના બધા અલગ-અલગ કેરેટકર જે બાળકોને કાર્ટુન પસંદ હોય તે ધ્યાનમાં રાખીને આ રાખડીઓ તૈયાર કરવામાં આવી હતી અને ગરીબ દીકરીઓએ પોતાના ભાઇઓને રાખી બાંધી હતી. રાખડીઓ બાંધતા જ બાળકો ખૂશ ખૂશાલ થઇ ગયા હતા. આ સાથે બાળકોના ચહેરા પર ખૂશી જોવા મળી હતી.

રાખડી બાંધ્યા બાદ ગોડ બ્લેસ ફાઉન્ડેશન તરફથી તમામ બાળકો માટે નાસ્તા સ્વરૂપે ચવાણું, પેંડા અને ચોકલેટ્સ આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકો માટે રમત-ગમતનો પ્રોગ્રામ કરાવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. ભોજનમાં તમામ બાળકોને ખીચડી પીરસવામાં આવી હતી.

ટ્રસ્ટી અભિષાબેન રાઠોડે બાળકોને ભણતર કેટલું જરૂરી છે તે માટે પ્રોત્સાહિત કર્યાં
ગોડ બ્લેસ ફાઉન્ડેશન ટ્રસ્ટી અભિષાબેન રાઠોડ તરફથી તમામ બાળકોને એજ્યુકેશનને લગતું પ્રવચન આપવામાં આવ્યું હતું. ટ્રસ્ટી અભિષાબેન રાઠોડે બાળકોને જીવનમાં ભણતર કેટલું જરૂરી છે તે સંદર્ભમાં માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યાં હતાં. વધુમાં ટ્રસ્ટીએ કહ્યું કે, દરેક બાળકો સહિત ઘરના સભ્યોને જાણવું જરૂરી છે કે અભ્યાસ કેટલો જરૂરી છે. ઘરના વ્યક્તિઓએ બાળકોના અભ્યાસ માટે પોતાનો ફાળો આપવો જોઇએ. આ સાથે તમામ બાળકોએ એકબીજાની રાખડીઓ પર હાથ મૂકીને કહ્યું હતું કે, અમે ભણીશું, આગળ વધીશું અને દેશહિતમાં ફાળો આપીશું.