October 11, 2024

નર્મદામાં હરસિધ્ધિ માતાના મંદિરે યોજાઇ અનોખી તલવાર આરતી

પ્રવીણ પટવારી, નર્મદા: નવરાત્રી…. માં શક્તિની આરાધનાનું પર્વ. આ નવરાત્રીમાં દરેક ભક્તો માં ની ઉપાસના પોતાની શક્તિ પ્રમાણે કરે છે. ત્યારે નર્મદાના રાજપીપળામાં આવેલા 450 વર્ષ પૌરાણિક મંદિરમાં હરસિધ્ધિ મંદિરે ભક્તો અનોખીરીતે મા ની પૂજા અર્ચના કરે છે. હરસિધ્ધિ માતાજી રાજપૂતોની કુળદેવી મનાય છે અને એક લોકવાયકા પ્રમાણે તે સમય ના મહારાજા વેરીસાલ મહારાજ સાથે માં હરસિદ્ધી ઉજ્જૈન થી રાજપીપળા આવ્યા હતા અને તેને કારણેજ રાજપૂતોમાં હરસિદ્ધિ માતાજી પર અપાર શ્રદ્ધા છે. ત્યારે અહીં છેલ્લા 11 વર્ષ થી આસો સુદ છઠ એ તલવારબાઝી કરી માતા ની આરતી કરવામાં આવે છે.

રાજપૂતોની કુળદેવી ગણાતી માં હરસિધ્ધિ નું એક મંદિર ઉજ્જૈન માં છે. અને બીજું નર્મદા ના રાજપીપળામાં માં હરસિદ્ધિની આરતી અનોખી રીતે થાય તે આશયથી અહીના 200 જેટલા યુવાનો છેલ્લા 10 વર્ષથી પ્રયત્નશીલ છે. રાજપૂતોના શૌર્ય સમી તલવાર સાથે તલવારબાઝીની આરતી કરી લોકોમાં આકર્ષણ જમાવે છે. માતાજીની આરતી અનોખી રીતે તલવારબાઝીથી થાય તે માટે 10 વર્ષ ના બાળક થી લઈને 40 વર્ષના યુવાનોએ એકસાથે આરતીની ધૂનમાં તલવાર બાઝી કરી ત્યારે એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું.

સત્તત 1 કલાક અને 30 મિનીટ સુધી ચાલતી કુલ 3 આરતીમાં 200 જેટલા યુવાનોએ સતત તલવાર બાઝી કરી માતાજીની અનોખી આરાધના કરી. જોકે તલવાર એ રાજપૂતોનું શસ્ત્ર ગણાય છે. પરંતુ, આ શસ્ત્રને સમય આવે ક્ષત્રાણી પણ ચલાવી શકે તે આશયથી અને સાથેજ આ શસ્ત્ર ચલાવી શકશે તેવી માતાની અનોખી શ્રદ્ધા સાથે આજે તલવાર આરતી કરી. જોકે, આ વર્ષે આ તલવાર મહાઆરતીની વિશેષતા એ હતી કે માત્ર નર્મદા જ નહિ પણ પાડોશી જિલ્લાના રાજપૂત યુવાનોએ આ તલવાર આરતીમાં ભાગ લીધો હતો. માતાજીના પગલાનો શણગાર કરી રાજપૂત યુવાનોએ સુંદર તલવારબાજી કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.