October 31, 2024

પરિવારની ગૃહિણીઓ જ સાચી લક્ષ્મી, જૂનાગઢના કોટેચા પરિવારની અનોખી પરંપરા

જુનાગઢ: દિવાળીના તહેવારમાં માતા લક્ષ્મીનું પૂજન અર્ચન થાય છે. ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીના દિવાળીના તહેવારમાં લક્ષ્મી પૂજનનું અનેરૂં મહત્વ રહેલું છે. સામાન્ય રીતે લોકો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરતાં હોય છે. પરંતુ જૂનાગઢનો કોટેચા પરિવાર ઘરની ગૃહિણીઓને જ સાચી અને સાક્ષાત લક્ષ્મી માનીને તેની પૂજા કરીને દિવાળીની ઉજવણી કરે છે.

જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પરિવારમાં દિવાળીના દિવસે ગૃહિણીઓની પૂજા કરવાની પરંપરા છેલ્લા 40 વર્ષથી ચાલી આવે છે, પરિવારના દરેક પરુષો પોતાની પત્નીની પૂજા કરે છે તેની આરતી ઉતારે છે અને સમગ્ર વર્ષ દરમિયાન થયેલી ભૂલો માટે ક્ષમાયાચના કરે છે, પરિવારની નાની દિકરી થી લઈને પરિવારના મોભી સુધીની તમામ મહિલાઓનું તેમના પતિ દ્વારા પૂજન કરવામાં આવે છે. પુત્ર તેની માતા, પત્ની, ભાભી, દીકરી કે પુત્રવધુ હોય તેની પૂજા કરે છે.

કોટેચા પરિવારનું માનવું છે કે ઘરની સાચી લક્ષ્મી પરિવારની સ્ત્રીઓ જ છે અને તેનું સદાઈ સન્માન થવું જોઈએ અને તેને રાજી રાખવામાં આવે તો જીવનમાં આર્થિક ઉન્નતિ થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે કારણ કે ઘરની ગૃહિણીઓ જ સાચી અને સાક્ષાત લક્ષ્મી છે તેથી જ પરિવારના તમામ પુરૂષો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવાને બદલે ઘરની સ્ત્રીઓની પૂજા કરીને દિવાળીની ઉજવણી કરે છે.