November 22, 2024

જૂના પ્રેમીએ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુવકની કરી હત્યા

આરોપી જુવાન વડેરા

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના સાણંદમાં 1 મેના રોજ ઉમા એસ્ટેટમાં આવેલા ઇક્કોસેફ એગ્રી સાયન્સ ઇન્ડિયા નામની કંપનીમાં નોકરી કરતા અને વાસણા ગામમાં રહેતા અભિષેક ડામોર નામના યુવકની હત્યા થઈ હતી. મૃતક યુવક અને તેની પ્રેમિકા રાત્રે ઘરમાં સુતા હતા ત્યારે આરોપી જુવાન વડેરા લોખડની પાઇપ લઈને ઘરમાં ઘુસી ગયો અને સુતેલા પ્રેમી યુગલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અભિષેકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પ્રેમિકા પ્રિયંકા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ હત્યાની ઘટનાને લઈને તપાસ કરતા હુમલો કરનાર આરોપી મૃતકની પ્રેમિકાનો પ્રેમી જુવાન વડેરા હતો. સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.

મૃતક અભિષેક ડામોર

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી જુવાન વડેરાના 7 વર્ષ પહેલાં પ્રિયંકા સાથે લગ્ન થયા હતા. બંનેનો 5 વર્ષનો દીકરો છે. જ્યારે મૃતક અભિષેક મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને પ્રિયંકા પણ રાજેસ્થાનની છે. પહેલાથી તેઓ એકબીજાના પરિચયમાં હતા. મૃતક અને પ્રિયંકા એક જ ફેકટરીમાં નોકરી કરતા હતા.બંન્ને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ સંબંધ શરૂ થયો હતો. તેઓ છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. જેની જાણ આરોપી જુવાન વડેરાને થઈ હતી. જેથી પતિ પત્ની વચ્ચે મનભેદ શરૂ થઈ ગયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં હિંદુ નેતાઓની હત્યાનું હતું કાવતરું, સુરત પોલીસે મૌલાનાને દબોચ્યો

પ્રિયંકા એક વર્ષ પહેલા પતિથી છૂટાછેડા લઈને પ્રેમી અભિષેક સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા જતી રહી હતી. ઘટનાના દિવસે મૃતક અભિષેક અને આરોપી જુવાન વચ્ચે મોબાઈલ પર ઝઘડો થયો હતો. જેના કારણે અદાવત રાખીને આરોપીએ બંન્નેની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અને પાઇપથી હુમલો કરીને અભિષેકની હત્યા કરી દીધી હતી. અનૈતિક સંબંધનો ફરી કરુણ અંત આવ્યો.એકને મળ્યું મોત તો બીજાને જેલના સળીયા પાછળ જવાનો વારો આવ્યો અને સજા 5 વર્ષના બાળકને મળી છે. સાણંદ પોલીસે આ હત્યા કેસમાં આરોપી જુવાન વડેરાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કર્યો છે. પોલીસે હત્યામાં ઉપયોગમાં લીધેલા હથિયાર જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.