September 19, 2024

અમિત શાહ સાથેની મુલાકાત બાદ અજિત પવારે CM પદની માંગણીને નકારી…!

Ajit Pawar Chief Minister Post Maharashtra: મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી અને ભાજપ, શિવસેના અને એનસીપીના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે અમિત શાહ પાસેથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની માંગણી કરી હતી. જો કે હવે અજિત પવારે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. અજિત પવારે એ વાતને પણ નકારી કાઢી હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યની 25 વિધાનસભા બેઠકો પર ફ્રેન્ડલી ફાઇટનો પ્રસ્તાવ મૂક્યો છે.

અમિત શાહ સાથેની મુલાકાત બાદ એવા અહેવાલો આવ્યા હતા કે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવારે મહારાષ્ટ્રમાં બિહાર પેટર્ન લાગુ કરવાની અને વિધાનસભા ચૂંટણી પછી પોતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી. આ સાથે એવા અહેવાલો પણ હતા કે સીટો બાબતે જે પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ છે એવી 25 બેઠકો પર મૈત્રીપૂર્ણ લડતની દરખાસ્ત કરવામાં આવી છે. જો કે અજિત પવારે આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે.

અજિત પવારે શું કહ્યું?
અજિત પવારે કહ્યું છે કે સીએમ પદની માંગ કે 25 સીટો પર મૈત્રીપૂર્ણ લડાઈના સમાચારોમાં કોઈ સત્ય નથી. અજિત પવારે કહ્યું કે સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની તેમની મુલાકાત દરમિયાન મેં કપાસ, સોયાબીન અને ડુંગળી ઉત્પાદકોની સમસ્યાઓ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. પવારે કહ્યું કે મેં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ન મૂકવાની અપીલ કરી છે. જો ખેડૂતોને ડુંગળીના વેચાણથી ઉંચો ભાવ મળતો હોય તો તેને મળવો જોઈએ. આ સાથે MSP વધારવા પર પણ વાત થઈ છે.

સીટ વહેંચણીની ફોર્મ્યુલા હજુ નક્કી થઈ નથી
અજિત પવારે માહિતી આપી છે કે મહાયુતિમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા હજી નક્કી થઈ નથી. પવારે કહ્યું છે કે આ અંગેની માહિતી ફોર્મ્યુલા તૈયાર થયા બાદ આપવામાં આવશે.