January 16, 2025

ચાઇનીઝ ગેંગ સાથે સંડોવાયેલા ચાર ગુજરાતીની ધરપકડ, ડિજિટલ એરેસ્ટથી પૈસા પડાવતા હતા

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં ચાઇનીઝ ગેંગ સાથે સંડોવાયેલા ચાર ગુજરાતીઓની પોલીસે ધરપકડ કરી છે. સોલાના એક વેપારીને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવ્યા હતા. છેલ્લા 3 વર્ષથી ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરતા 14 જેટલા ઠગાઈની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે.

આ મામલે પોલીસે આરોપી પ્રિન્સ રવીપરા, જયમીનગિરિ ગોસ્વામી, તનવીર મધરા અને શાહીદ મુલતાનીની ડિજિટલ અરેસ્ટ કેસમાં ધરપકડ કરી છે. આ આરોપીઓ છેતરપિંડી કરવા ચાઇનીઝ ગેંગને બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરાવતા હતા. સોલાના એક વેપારીને મુંબઈના ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારી બનીને મની લોન્ડરીંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સ્કાઈપ પર ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને તેમના એકાઉન્ટમાંથી 97 હજાર યુપીઆઇથી ટ્રાન્સફર કરાવ્યા હતા. આ આરોપીએ ઓનલાઇન એક વકીલને skype ઉપર હાયર કરીને વેપારીની બેંક ડિટેઇલ્સ મેળવી હતી. આ કેસમાં નાણાં ટ્રાન્સફર થયેલા એકાઉન્ટની પોલીસે તપાસ કરતા એકાઉન્ટ પ્રોવાઈડ કરતા એકાઉન્ટ હોલ્ડર અને ભાડે એકાઉન્ટ લેનારા એજન્ટોની પોલીસે જૂનાગઢથી ધરપકડ કરી છે.

સોલા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઈન્ડ પ્રિન્સ રવિપરા અને જયમીનગિરિ છે. આરોપી પ્રિન્સ ચાઇનીઝ નંબરો ધરાવતા પ્રોસેસરોને એકાઉન્ટની વિગતો મોકલી USDT ટ્રાન્સફર કરીને ભાડેથી એકાઉન્ટ મેળવતો હતો. તેની માટે ગૂગલ પર ટ્રાન્સલેટ કરીને ચાઇનીઝ ભાષામાં વાતચીત કરતો હતો. જ્યારે આરોપી જયમીનગિરિ એકાઉન્ટ હોલ્ડરો પાસે એકાઉન્ટ ભાડે લેતો હતો. આ બંને આરોપીઓ +44 વાળા ચાઈનીઝ મોબાઈલ નંબરો ઉપયોગ કરતા હોવાનું ખુલ્યું છે.

આરોપીઓ બાયનાન્સ એપ્લિકેશન તથા ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે પ્રોસેસરોના સંપર્ક કરતો હોવાનું ખુલ્યું છે. આરોપીઓ મહિને 5થી 10 હજાર એકાઉન્ટ ભાડે રાખતા હતા, જેમાં બે રીક્ષાચાલક શાહીલ અને તનવીરનું એકાઉન્ટ ભાડે લીધું હતું. મુખ્ય સૂત્રધાર પ્રિન્સે ભાડે લીધેલા એકાઉન્ટમાં ચિટીંગના પૈસા નંખાવી USTD ટ્રાન્સફર કરાવી ઉંચા ભાવે વેચી લાભ લેતો હતો. છેલ્લા ત્રણ વર્ષથી પકડાયેલી ટોળકી ડિજિટલ અરેસ્ટ કરીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં આરોપીના 14 જેટલા બેન્ક એકાઉન્ટ છેતરપિંડીમાં ઉપયોગ થયો હોવાનું ખુલ્યું છે.

આ મામલે ઝોન -1 ડીસીપી બલરામ મીણાએ કહ્યુ છે કે, ‘પકડાયેલા આરોપીમાં જયમીનગીરી વિરુદ્ધ પાલનપુર અને મોડાસામાં સાયબર છેતરપિંડીના ગુના નોંધાયા છે, જ્યારે પ્રિન્સ વિરુદ્ધ વડોદરામાં ડિજિટલ અરેસ્ટને લઈને ગુનો નોંધાયો છે. પોલીસે બંને આરોપીના મોબાઈલ ફોન કબજે લઈ એફએસએલમાં મોકલ્યા છે. આરોપીઓ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં અને વિદેશની ગેંગ સાથે સંપર્કમાં હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.’