November 26, 2024

અસારવામાં દીવાલ ધરાશાયી થતા બે લોકોનાં મોત, બે ઇજાગ્રસ્ત

અમદાવાદઃ શહેરના અસારવા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. અસારવા વિસ્તારમાં આવેલી પૌરાણિક દાદા હરીની વાવ નજીક આ બનાવ બન્યો છે. રેલવે વિભાગની દીવાલ ધરાશાયી થતા બે લોકોનાં મોત નીપજ્યા છે. આ ઉપરાંત બે લોકોને કાટમાળ નીચેથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. હાલ બંને ઇજાગ્રસ્તને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ધારાસભ્ય દર્શનાબેન આ અંગે માહિતી આપતા જણાવે છે કે, ‘ખૂબ દુખદ ઘટના છે. અસારવા રેલવે યાર્ડ પાસે દીવાલ નીચે મજૂરો બેઠા હતા. તેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. તેમની હાલત સ્થિર છે. આવી ભયજનક દીવાલ ધરાશાયી થતા પહેલાં ઉતારી લેવા માટે તંત્રને સૂચના આપું છું.’

આ ઉપરાંત એક મૃતકના ભાઈ જણાવે છે કે, આ દીવાલની પાછળ માટી ભેગી કરવામાં આવી રહી હતી અને તેને કારણે જ દીવાલ ધરાશાયી થઈ છે. આ અંગે મેં અનેકવાર રજૂઆત કરી હતી કે, માટીને કારણે દીવાલ ધરાશાયી થશે, પરંતુ તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નહોતું.

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી દાદા હરીની વાવ પાસે રેલવે દ્વારા નવા યાર્ડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ખોદાણની માટી દીવાલ પાસે એકઠી કરવામાં આવતી હતી. માટીના પ્રેશરને કારણે દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ ધરાશાયી થઈ તે સમયે કોટને અડીને ગેરેજ ચલાવતા અને ત્યાં બેસેલા કુલ 5 લોકો દટાયા હતા.

ફાયરવિભાગને કોલ મળતાં જ ટીમ અસારવા પહોંચી હતી, પરંતુ ફાયરવિભાગ પહોંચે તે પહેલાં જ સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં ચાલીસ વર્ષીય સિદ્દીક પઠાણ અને પંચાવન વર્ષીય માનસી જાટવનું મોત નીપજ્યું હતું. જ્યારે ગણપતસિંહ વાઘેલા, મહિન્દ્ર ઠાકોર અને શહિદ નિઝામુદ્દીનને ઇજા થતાં અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, દીવાલ નમી ગઈ હોવાને કારણે પુરાણ માટી ન નાખવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈપણ પગલાં લેવામાં આવ્યા ન હતા.