January 25, 2025

કોલ્ડપ્લેની ટીમ રિવરફ્રન્ટ પર આવેલા ક્રૂઝની મુલાકાત લે તેવી શક્યતા

અમદાવાદઃ આગામી 25 અને 26મી જાન્યુઆરીના દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવવાનું છે. ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આ કોલ્ડપ્લે મ્યુઝિક કોન્સર્ટમાં બ્રિટિશ બેન્ડ પર્ફોર્મન્સ આપશે. કોલ્ડપ્લેની ટીમ અમદાવાદના રિવરફ્રન્ટમાં આવેલા રિવર ક્રૂઝની મુલાકાત લે તેવી શક્યતા છે. કોલ્ડપ્લે ટીમની સંભવિત મુલાકાતને લઈને સંચાલકો દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

રિવર ક્રૂઝના સંચાલક સુહાગ મોદી આ મામલે માહિતી આપતા જણાવે છે કે, ‘કોલ્ડપ્લે બેન્ડના મેનેજમેન્ટ દ્વારા રિવર ક્રૂઝ સંચાલકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. સ્પેશિયલ મોમેન્ટો આપીને ટીમનું સ્વાગત કરવામાં આવશે. ભારતીય ધાન્યો એટલે કે મિલેટની વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘અમદાવાદનો પ્રખ્યાત અટલ બ્રિજ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ખ્યાતિ પામેલા ફ્લાવર શો વિશે પણ જાણકારી આપવામાં આવશે. સાબરમતીની બંને તરફ પથરાયેલા જુના અને નવા અમદાવાદ વિશે કોલ્ડપ્લેની ટીમને જાણકારી આપવામાં આવશે.’