September 19, 2024

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું આંતરરાજ્ય ગાંજાની હેરાફેરીનું નેટવર્ક, 7ની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંજાનું મસમોટું આંતર રાજ્ય નેટવર્ક ઝડપી પાડ્યું છે. વટવા GIDC વિસ્તારમાંથી 43 લાખના ગાંજા સાથે 7 આરોપી ધરપકડ કરી. 1700 કિલો મીટર દૂર ઓડિશાથી 3 રાજ્યોની સરહદ ઓળખીને ગાંજો ગુજરાતમાં લાવવામાં આવ્યા છે.

43 લાખના ગાંજા સહિત કુલ 65 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મણીગડન મુદલિયાર, કુમાર અરુણ પાંડે, સંજય ક્રિષ્ના સાહુ અને સુશાંત ઉર્ફે બાબુ ગૌડા, અજય તુફાન સ્વાઈન, લાંબા ગૌડા અને સંદીપ કુમાર શાહની ધરપકડ કરી છે. આ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે 195 કિલો ગાંજા સાથે ઝડપી પાડયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વટવા GIDCમાં 1100 કિલો ગાંજો સપ્લાય થવાની બાતમી મળી હતી. જેના આધારે વટવા GIDC ક્રીશ ઇન્ડસ્ટ્રીયલમાં દરોડા પાડીને ત્યાંથી રૂપિયા 43 લાખના ગાંજા સહિત કુલ 65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગાંજો 1700 કિલોમીટર દૂર ઓડિશાથી છત્તીસગઢ અને છત્તીસગઢથી મધ્યપ્રદેશ અને ત્યાંથી ગુજરાત એમ ત્રણ રાજ્યોની સરહદ પાર કરીને ટ્રકમાં ગાંજાનો જથ્થો લાવ્યા હતા. આ ગાંજો અમદાવાદમાં છૂટક વેચાણ માટે સપ્લાય કરવાના હતા.

4 વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ
પકડાયેલ આરોપીમાં મુખ્ય આરોપી મણીગડન અમદાવાદના હાથીજણનો રહેવાસી છે. જેણે આરોપી સંજય અને સુશાંત મારફતે ઓડિશાથી ગાંજો મંગાવ્યો હતો. આરોપી કુમાર અરુણે સંજય અને સુશાંત જે ત્રણેય જણા ઓડિશાનાં રહેવાસી છે. તેઓ ઓડિશા થી આરોપી અજય અને લાંબા ગોડા ટ્રકમાં મોટા બારદાનની આડમાં પાવડર સ્વરૂપમાં ગાંજો પેકેટમાં પેકિંગ કરીને લાવ્યા હતા. મહત્વનું છે કે, આ આરોપી એ સુરત અને ભરૂચ નજીક ગાંજાની ડિલિવરી કરી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. પકડાયેલ અન્ય આરોપીમાં સંદીપ કુમાર શાહ જે નેપાળનો રહેવાસી છે. ગાંજાની હેરાફેરીમાં તેની સંડોવણી સામે આવી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપી ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે, આ ગાંજાનાં નેટવર્કમાં અન્ય 4 આરોપી હજી વોન્ટેડ છે. જેની પકડવાની તજવીજ હાથ ધરી છે.

આ ગાંજાનાં નેટવર્કમાં અમદાવાદના આરોપી મણીગડન અને કુમાર અરુણ પાંડેની ધરપકડ કરી છે. આ બન્ને આરોપી અમદાવાદમાં ગાંજો કોને સપ્લાય કરવાના હતા અને આ નેટવર્ક માં કોણ કોણ સડોવાયેલ છે જેને લઇ તપાસ શરૂ કરી છે. બીજી બાજુ સવાલ એ છે કે આ ગાંજો આરોપીઓ પ્રથમ વખત લાવ્યા છે કે પહેલા પણ લાવ્યા છે અને આરોપીએ રસ્તામાં કોઈ રાજ્યમાં સપ્લાય કર્યો છે કે નહિ તેમ અને સ્થાનિક લેવલે ક્યાં ક્યાં ગાંજો પહોચાડવાનો હતો તમામ દિશામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.